લાઠી નજીક ટ્રકમાંથી રૂ.૧૯.૨૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ટ્રક સહિત રૂ.૨૬.3૪ લાખના મુદામાલ સાથે એકની અટકાયત
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની મોટી રેલમછેલ થાય તે પહેલાં જ લાઠી પોલીસે બાતમીના આધારે એક મોટું ઓપરેશન પાર પાડીને વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે લાઠી અને ટોડા વચ્ચેથી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તેમાંથી લાખો રૂપિયાની કિંમતનો દારૂ જપ્ત કર્યો છે. મળતી વિગતો અનુસાર, લાઠી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે લાઠી-ટોડા રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવીને તલાશી લીધી હતી. ટ્રકની અંદર તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની અસંખ્ય બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ રૂપિયા ૧૯,૨૪,૮૦૦ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે ઘટના સ્થળેથી ટ્રક ચાલક આશીફ યુસુફભાઇ ખોખર નામના ઇસમને ઝડપી લીધો હતો. પોલીસે ગુનામાં વપરાયેલી ટ્રક અને વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ૨૬,૩૪,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. લાઠી પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં ધોરણસરની કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરી છે.


