ગુજરાત હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટીપ્પણી
દુષ્કર્મ પીડિતાને ગર્ભ રાખવા અને બાળકને જન્મ આપવા મજબૂર કરવી તે ગરીમાનું હનન
જૂનાગઢની ૧૧૪ વર્ષની પીડિતાને ૨૮ અને વલસાડની ૧૬ વર્ષની સગીરાને ૨૭ સપ્તાહના ગર્ભપાતની મંજૂરી
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાતમાં છાશવારે દુષ્કર્મના બનાવો પોલીસ ચોપડે નોંધાઇ રહ્યાં છે અને યુવતીઓ સગીરાઓ ગર્ભવતી બને છે. ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ અને વલસાડની સગીર પીડિતાઓને ગર્ભપાતની મંજૂરી આપી છે અને તેના સ્વાભિમાનની મર્યાદા જાળવવા પણ તંત્રને ટકોર કરી છે.
ગુજરાત હાઇકોર્ટમાં વલસાડથી 16 વર્ષની દુષ્કર્મ પીડિતા સગીરાના 27 સપ્તાહના ગર્ભ અને જૂનાગઢથી 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી, જેને મંજૂર કરવામાં આવી છે.
વલસાડની દુષ્કર્મ પીડિતા સગીરાના GMERS મેડિકલ કોલેજ, વલસાડના તબીબોની પેનલે અહેવાલ આપ્યો હતો કે કાયદા મુજબ ગર્ભપાત કરી શકાય તેમ છે. તેવો જ અહેવાલ જૂનાગઢની સગીરા કેસમાં સિવિલ હોસ્પિટલ જૂનાગઢના તબીબોની પેનલ દ્વારા અપાયો હતો.
હાઇકોર્ટે કોર્ટે સુપ્રિમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓનો હવાલો આપતા જણાવ્યું કે સ્ત્રીને પોતાના શરીર પર અને માતા બનવું કે નહીં તે નક્કી કરવાનો અધિકાર છે, જે બંધારણની કલમ 21=અંતર્ગત વ્યક્તિગત સ્વતંત્રતાનો એક ભાગ છે.
પીડિતાને અનિચ્છનીય ગર્ભ રાખવા અને બાળકને જન્મ આપવા માટે મજબૂર કરવી એ તેના માનસિક સ્વાસ્થ્ય માટે ઘાતક છે અને તેના ગરિમાપૂર્ણ જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન છે. આથી કોર્ટે ગર્ભપાત માટેની મંજૂરી આપી છે.
કોર્ટે પીડિતાના ગર્ભના પેશીઓના નમૂના વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્રિત કરી તપાસ કરનાર પોલીસ અધિકારીને DNA ઓળખ અને પુરાવા માટે સોંપવાના રહેશે. જો ગર્ભપાત દરમિયાન બાળક જીવિત જન્મે, તો હોસ્પિટલે તેને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવાની રહેશે. જેથી તે સ્વસ્થ બાળક તરીકે વિકાસ પામી શકે.
જો પીડિતા કે તેનું કુટુંબ બાળકની જવાબદારી લેવા તૈયાર ન હોય, તો રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ તે બાળકની સંપૂર્ણ જવાબદારી અને તબીબી સુવિધાઓ સંભાળવાની રહેશે. પીડિતાએ પોતાના જોખમે આ સર્જરી કરાવવા માટે હોસ્પિટલમાં યોગ્ય બાંહેધરી પત્ર આપવાનું રહેશે.


