રાજુલામાં ભારે વરસાદ બાદ BAPS સંસ્થા દ્વારા ૪૬૯ ફૂડ પેકેટોનું વિતરણ
તમામ સામગ્ર પ્રશાસનને સુપ્રત કરતા સંતો
અગ્ર ગુજરાત, રાજુલા
રાજુલા પંથકમાં છેલ્લા ૩૬ કલાકમાં અંદાજિત ૧૨ થી ૧૬ ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. ભારે વરસાદના કારણે રાજુલાના નીચાણવાળા વિસ્તારો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જેવા કે વડ, ભચાદર, ભેરાઇ, રામપરામાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. ઘરો અને શેરીઓમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને અનેક પરિવારોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ કપરી પરિસ્થિતિમાં અસરગ્રસ્તોને ખાવા-પીવાની ભારે તકલીફ ઊભી થતાં રાજુલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા તાકીદે BAPS સ્વામિનારાયણ સંસ્થા (રાજુલા) નો સંપર્ક કરવામાં આવ્યો હતો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર મહુવા દ્વારા તાત્કાલિક સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા અસરગ્રસ્તો માટે અંદાજિત ૪૬૯ જેટલા પૌષ્ટિક ફૂડ પેકેટો તૈયાર કરવામાં આવ્યા હતા. આ ફૂડ પેકેટો રાજુલાના મામલતદાર હરેશભાઈ પુરોહિતને સુપ્રત કરવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં BAPSના પૂજ્ય સાધુ યોગીપુરુષદાસજી તથા પૂજ્ય સાધુ નારાયણસેવકદાસજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમની પ્રેરણાત્મક હાજરીમાં આ સામગ્રી સરકારના વહીવટી તંત્રને સોંપાઈ હતી. આ તકે કલ્પેશભાઈ પરમાર, નિખિલભાઇ(પ્રમુખ ફર્નિચર), કૃપાલસિંહ ગોહિલ,બીપીનભાઇ સરવૈયા, જયેશભાઈ વાછાણી, ચંદ્રકાનભાઇ ચોટલીયા, મહેશભાઇ મજેઠીયા તેમજ મહિલાઓ તથા અન્ય આગેવાનો અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.


