વરસાદમાં તળેલી વાનગી ખાવી મોંઘી પડશે, સિંગતેલના ભાવમાં ભડકો
ત્રણ દિવસમાં ડબ્બો રૂ.૫૦ મોંઘો થયો : ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં ચોમાસું જોર પકડતા એક તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ સામાન્ય ગ્રાહકો માટે મોંઘવારીનો વધુ એક ફટકો લાગ્યો છે. ગુજરાતના ખાદ્ય તેલના બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને સીંગતેલના ભાવમાં સતત વધારો નોંધાતા ઘરેલુ રસોડાના બજેટ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. છેલ્લા માત્ર ત્રણ દિવસ દરમિયાન સીંગતેલના એક ડબ્બાના ભાવમાં કુલ ₹50નો વધારો નોંધાયો છે, જેના કારણે ગ્રાહકોમાં ચિંતા વધી છે.
વેપારીઓના જણાવ્યા મુજબ આજે પણ સીંગતેલના એક ડબ્બામાં ₹10નો વધારો નોંધાયો છે. પરિણામે બજારમાં સીંગતેલનો એક ડબ્બો હાલ અંદાજે ₹2,710થી વધીને ₹2,760ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. વરસાદી મોસમ દરમિયાન ભજિયા, ગાંઠિયા, પકોડા અને અન્ય તળેલી વાનગીઓની માંગ વધતી હોય છે ત્યારે તેલના વધતા ભાવ ગ્રાહકો માટે વધારાનો આર્થિક બોજ બની શકે છે.
ખાદ્ય તેલના વેપારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે બજારમાં કાચા માલની આવક પર અસર પડી છે. વરસાદના કારણે મગફળી સહિતના કૃષિ ઉત્પાદનોની આવક મર્યાદિત રહી છે, જેના કારણે તેલ મિલો સુધી પૂરતો કાચો માલ પહોંચી રહ્યો નથી. પુરવઠામાં ઘટાડો થતાં બજારમાં માંગની સરખામણીએ ઉપલબ્ધ જથ્થો ઓછો રહેતા ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.


