જેતપુરમાં મૈત્રી કરાર કરી સાથે રહેતા માતાના પ્રેમીને રહેશી નાખતો પુત્ર
રસ્તા પર દોડાવી-દોડાવી છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી: આરોપીની ધરપકડ, સમગ્ર વિસ્તારમાં ચકચાર, ભયનો માહોલ
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં મંગળવારે બપોરના સમયે જાહેરમાં એક યુવકની કરપીણ હત્યા થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. માતાના મૈત્રી કરારના મનદુખમાં આ આરોપી પુત્રએ યુવકને રસ્તા પર દોડાવી-દોડાવીને છરીના ઘા ઝીંકી રહેસી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુરના કણકિયા પ્લોટ અંબર ટૉકીઝ પાછળ વાલ્મિકીવાસમાં રહેતા કમલેશભાઈ અરવિંદભાઈ વાઘેલા નામના યુવક પર રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતા જયંત કાળુભાઈ વાઘેલા નામના શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ જાહેર રસ્તા પર માત્ર દોઢ મિનિટના સમયગાળામાં કમલેશભાઈને દોડાવીને તેમના પર છરીના કુલ 6 જેટલા જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ ગંભીર હાલતમાં મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસમાં આ હત્યા પાછળનું કારણ કૌટુંબિક મનદુખ અને વર્ષો જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. મૃતક કમલેશભાઈ, આરોપી જયંતની માતા નીતાબેન સાથે છેલ્લા આશરે 12 વર્ષથી મૈત્રી કરાર કરીને પતિ-પત્ની તરીકે રહેતા હતા. આરોપીના પિતા કાળુભાઈની હયાતીમાં જ તેની માતા મૃતક કમલેશભાઈ સાથે રહેવા લાગ્યા હતા. જોકે, આરોપીના પિતાનું 10 વર્ષ પહેલાં અવસાન થયું હતું, પરંતુ પોતાની માતાનું કમલેશભાઈ સાથેનું આ સંબંધ પુત્ર જયંતને જરાય પસંદ નહોતું. આ વાતની દાઝ રાખીને જ તેણે આ ખૌફનાક પગલું ભરી કમલેશભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા.હત્યાની આ ઘટના બાદ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે વાલ્મિકી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. જાહેરમાં હત્યાના આ બનાવની જાણ થતાં જ જેતપુર સિટી પોલીસ અને રાજકોટ એલ.સી.બી.નો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ઝડપી લીધો હતો.
ડી.વાય.એસ.પી. રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, મૃતકના ભાઈ કપિલભાઈની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો (ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ) નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ટેકનિકલ પુરાવાઓ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપી જયંત વાઘેલાને ઝડપી લીધો છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જો તપાસ દરમિયાન આ હત્યાકાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી જણાશે તો તેમની સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પોલીસે આપી છે.


