ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતા અરૂણ નિર્મળ
અગ્ર ગુજરાત, રાજકોટ
તા. ૬ જુલાઈ ભારતના પ્રખર રાષ્ટ્રવાદી નેતા, શિક્ષણવિદ, પ્રખર વિચારક, સંસદસભ્ય અને ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રવાદી વિચારધારાના અગ્રદૂત તરીકે તેમનું યોગદાન ભારતીય ઇતિહાસમાં સદા અવિસ્મરણીય રહેશે.
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ ૬ જુલાઈ, ૧૯૦૧ના રોજ તત્કાલીન કલકત્તા (હાલ કોલકાતા)માં એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. તેમના પિતા સર આશુતોષ મુખર્જી દેશના વિખ્યાત શિક્ષણવિદ અને ન્યાયાધીશ હતા, જ્યારે માતા યોગમાયા દેવી ધાર્મિક તથા સંસ્કારી વ્યક્તિત્વ ધરાવતા હતા. બાળપણથી જ તેઓ તેજસ્વી બુદ્ધિ, રાષ્ટ્રપ્રેમ અને સમાજસેવાની ભાવનાથી પ્રેરાયેલા હતા.
તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ ઇંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરીને વર્ષ ૧૯૨૬માં બેરિસ્ટર તરીકે સ્વદેશ પરત ફર્યા. તેમની અસાધારણ પ્રતિભા અને શિક્ષણક્ષેત્રે કરેલા યોગદાનને કારણે તેઓ માત્ર ૩૩ વર્ષની વયે કોલકાતા યુનિવર્સિટીના કુલપતિ બન્યા હતા. આ સિદ્ધિએ તેમને દેશના અગ્રણી શિક્ષણવિદોમાં સ્થાન અપાવ્યું તેમ અંતમાં અરૂણ નિર્મળે જણાવ્યું હતું.


