ઉનામાં ગુમ થયેલ ૧૬ મોબાઈલ શોધી મુળ માલિકોને પરત કરાયા
તેરા તુજકો અર્પણથી ઉના પોલીસ જનસેવાનો બની રહ્યો: રૂ. 2.70 લાખથી વધુનો મુદ્દામાલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
અગ્ર ગુજરાત, ઉના
પોલીસની ઓળખ માત્ર કાયદાનું પાલન કરાવતી સંસ્થા તરીકે જ નહીં, પરંતુ સમાજના દરેક સુખ-દુઃખમાં પ્રજા ની સાથે ખભેખભા મિલાવી ઊભી રહેતી વિશ્વાસુ મિત્ર તરીકે પણ સતત મજબૂત બની રહી છે. ગીર સોમનાથ પોલીસે છેલ્લા કેટલાક સમયથી જનહિતને કેન્દ્રમાંરાખી જે કામગીરી કરી છે તે લોકોમાં વિશ્વાસ વધારનારીઅને પોલીસની માનવતાભરી છબીને ઉજાગર કરનારી બની છે.
તાજેતરમાં તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ઉના પોલીસની સર્વેલન્સ ટીમે ટેક્નિકલ તપાસ અને સતત મહેનતના આધારે કુલ 16 ગુમ થયેલા મોબાઇલ ફોન, જેની અંદાજિત કિંમત રૂ. 2,70,835 થાય છે, શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા. મોબાઇલ પરત મળતાં લોકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને તેમણે ગીર સોમનાથ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કામગીરી જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા ઉના વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સી.સી. ખટાણા ઉના પોલીસ ઇન્સ્પેકટર જે.કે મોરી ના માર્ગદર્શન હેઠળસફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.પરંતુ ગીર સોમનાથ પોલીસ ની સેવાભાવના માત્ર ગુમ થયેલી મિલકત શોધીઆપવા થી સીમિત નથી. તાજેતરમાં શાળાઓ શરૂ થતાં ઉના પોલીસે મહિલા પોલીસના માર્ગદર્શન અને કાઉન્સેલિંગ દ્વારા માતા-પિતા વિનાની દીકરીઓ, દૂર-દરાજના વિસ્તારોમાં રહેતા પરિવારોના બાળકો તેમજ વિવિધ કારણોસર અભ્યાસ છોડીને બેઠેલા (ડ્રોપઆઉટ) વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટે પ્રેરણાત્મક અભિયાન હાથ ધર્યું હતું. આ પ્રયાસથી અનેક બાળકોના શિક્ષણને નવી દિશા મળી હતી અને શિક્ષણ પ્રત્યે સમાજમાં સકારાત્મક સંદેશો પહોંચ્યો હતો.
ગીર સોમનાથ પોલીસની આ સતત જનકલ્યાણલક્ષી કામગીરી ફરી એકવાર સાબિત કરે છે કે પોલીસપ્રજાનો મિત્ર માત્ર એક સૂત્ર નથી, પરંતુ સેવા, સંવેદના, વિશ્વાસ અને માનવતાથી જીવંત બનેલી કાર્યસંસ્કૃતિ છે. આવી કામગીરી સમગ્ર પોલીસ તંત્ર માટે ગૌરવની બાબત છે અને સમાજમાં પોલીસ પ્રત્યે વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.


