લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત
દેવીપૂજકવાસમાં પાણી ભરાતા ૫૦ જેટલા લોકો ફસાયા: તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરાયું
અગ્ર ગુજરાત, લાઠી
અમરેલીના લાઠી પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. લાઠી તાલુકાના ચાંવડ ગામે મુશળધાર વરસાદને પગલે એક કાચું મકાન ધરાશાયી થયું હોવાની વિગતો મળી રહી છે. આ દુર્ઘટનામાં એક નિર્દોષ બાળકને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે ચાંવડ ગામના નીચાણવાળા વિસ્તાર એવા દેવીપૂજક વાસમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. ઘરોમાં પાણી ભરાઇ જવાના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકીમાં મુકાયા હતા અને અંદાજે ૫૦ જેટલા લોકો પૂરના પાણીની વચ્ચે ફસાઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. લાઠીના પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ લાઠી પોલીસ સ્ટેશનના પી.આઈ. અવસુરા સહિતનો કાફલો તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. પાણીમાં ફસાયેલા દેવીપૂજક પરિવારના તમામ ૫૦ જેટલા લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતાં. તંત્ર દ્વારા આ તમામ અસરગ્રસ્તોને ગામની સરકારી શાળામાં સુરક્ષિત સ્થળે આશરો આપવામાં આવ્યો છે અને તેમના માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હાલ સમગ્ર પંથકમાં તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.


