રાજ્યના ૧૮૦૦૦થી વધુ ફિશીંગ બોટ માટે રાહત રૂપ નિર્ણય
બોટની ૨૦ મીટરની લંબાઈની મર્યાદા દૂર કરતી સરકાર
માછીમારોને ડીઝલ વેટમાં પ્રતિ લીટર રૂ.૧૫ની છુટ અપાઈ: પાત્રતા ધરાવતી તમામ યાંત્રીક બોટોને સરકાર ડીઝલ કાર્ડ આપશે: ફિશીંગ લાયસન્સ મેળવી લેવા સરકારનું સુચન
અગ્ર ગુજરાત, ગાંધીનગર
રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે આજે (8 જુલાઈ )ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં માછીમારોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેતા બોટ માલિકોને પ્રતિ લીટર ₹15 લેખે ડીઝલ વેટ રાહત આપવાની મંજૂરી આપવામાં આવી છે.
આ યોજનામાં સરકારે અગાઉની બોટની 20 મીટરની લંબાઈની મર્યાદા દૂર કરી દીધી છે, જેના કારણે હવે 18,000થી વધુ ફિશિંગ બોટોને સીધો આર્થિક ફાયદો થશે. આ સુધારાથી નાના-મોટા તમામ માછીમારોને મોટી રાહત મળશે અને મત્સ્યોદ્યોગને વેગ મળશે.
ઉલ્લેખનીય છે કે, પહેલા 20 મીટરની મર્યાદામાં પ્રતિ લિટર મહત્તમ રૂપિયા 15 સુધીની વેટ રાહત મળતી હતી, હવે 20 મીટરની મર્યાદા દૂર કરવામાં આવી છે એટલે હવે 8 હજારથી વધુ બોટ ધારકોને લાભ મળશે.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉના નિયમ મુજબ આ યોજનાનો લાભ માત્ર 20 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક બોટોને જ મળતો હતો. હવે માછીમાર સમુદાયના વ્યાપક હિતમાં આ 20 મીટરની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. આ સુધારાના પરિણામે હવે રાજ્યની ડીપ-સી બોટો સહિત તમામ યાંત્રિક ફિશિંગ બોટો આ યોજનાનો લાભ મેળવી શકશે.
આ લાભ મેળવવા માટે જે-તે ફિશિંગ બોટની નોંધણી ‘રિયલ ક્રાફ્ટ પોર્ટલ’ પર થયેલી હોવી જોઈએ તેમજ બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ હોવું અનિવાર્ય છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યની નોંધાયેલી 18,000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટો હવે ડીઝલ વેટ રાહત મળશે.
વધુમા વાઘાણીએ કહ્યું હતું કે, આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી તમામ યાંત્રિક બોટોને સરકાર દ્વારા ‘ડીઝલ કાર્ડ’ આપવામાં આવશે. નાના, મધ્યમ અને મોટા—તમામ વર્ગના માછીમારોને આ સમાન લાભ મળવાને કારણે તેમના ડીઝલના દૈનિક ખર્ચમાં મોટો ઘટાડો થશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકમાં નોંધપાત્ર વધારો થશે. હજુ પણ જે માછીમાર બંધુઓને રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી અથવા ફિશિંગ લાયસન્સ મેળવવાનું બાકી હોય તો તે પૂર્ણ કરવા વાઘાણીએ અનુરોધ કર્યો છે.
સરકારના રાહતના નિર્ણયને માછીમારોનો આવકાર
વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહેલે રાજ્ય સરકારના આ નિર્ણયને માછીમારો માટે ઐતિહાસિક ગણાવી તેનું હાર્દિક સ્વાગત કર્યું છે. તુલસી ગોહેલે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 70 જેટલી ડીપ-સી ફિશિંગ બોટો છે, જે અગાઉ 20 મીટરથી વધુ લંબાઈ હોવાના કારણે ડીઝલ વેટ રાહત સહિતની અનેક સરકારી સહાય યોજનાઓથી વંચિત રહેતી હતી. હવે રાજ્ય સરકારે લંબાઈની મર્યાદા દૂર કરતાં આ તમામ બોટોને સીધો લાભ મળશે, જે માછીમારો માટે અત્યંત રાહતનો વિષય છે. તુલસી ગોહેલના જણાવ્યા મુજબ હવે સરકારના નિર્ણય બાદ માછીમારો મોટી અને આધુનિક ફિશિંગ બોટ બનાવી શકશે. સાથે જ રિપ્લેસમેન્ટ યોજનાનો લાભ પણ સરળતાથી મેળવી શકશે અને અન્ય તમામ સરકારી સહાય યોજનાઓનો લાભ યથાવત મળતો રહેશે. આ નિર્ણયથી માછીમારોને ડીપ-સી ફિશિંગમાં પ્રવેશવાની વધુ તક મળશે, જેના કારણે માછીમારીનો વ્યાપ વધશે અને તેમની આવકમાં નોંધપાત્ર વધારો થશે.


