અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ
નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સર્વે, વળતર અને પાણી નિકાલની વ્યવસ્થા કરવા રજૂઆત
અગ્ર ગુજરાત, ઉના
ઉના તાલુકાના સનખડા, ખત્રીવાડા, ગાંગડા સહિતના ગામોના ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિ અને રાવલ ડેમ તથા માલણ નદીના પૂરના કારણે થયેલા ભારે નુકસાન અંગે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સર્વે કરીને સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે 4, 5 અને 6 જુલાઈ, 2026 દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે રાવલ ડેમ અને માલણ નદીમાં પૂર આવ્યું હતું. જેના પરિણામે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઊભા પાક, વાવેલું બિયારણ તેમજ ખેતીલાયક જમીન નું ભારે ધોવાણ થયું છે. હાલમાં પણ અનેક ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેતીની કામગીરી ઠપ્પ બની છે અને પશુપાલન સહિતની પ્રવૃત્તિઓ પર પણ ગંભીર અસર પડી છે.
ખેડૂતોએ જણાવ્યું છે કે કુદરતી આફતના કારણે તેઓ આર્થિક અને માનસિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ખેતી આધારિત તેમની આજીવિકા જોખમમાં મુકાઈ હોવાથી સરકાર તાત્કાલિક રાહતના પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં અસરગ્રસ્ત વિસ્તારનો તાત્કાલિક સર્વે, પાક, બિયારણ અને જમીનના નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી સહાય પેકેજ જાહેર કરવું, પાણી ભરાયેલા ખેતરોમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી, પશુઓ માટે ચારા સહિતની સહાય પૂરી પાડવી તેમજ ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય અને બિયારણ ઉપલબ્ધ કરાવવાની મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે.
આ આવેદનપત્રની નકલ રાજ્યના મુખ્યમંત્રી, કૃષિમંત્રી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા સંબંધિત ગ્રામ પંચાયતને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે ખેડૂતો તંત્ર તરફથી વહેલી તકે હકારાત્મક કાર્યવાહી અને રાહત પેકેજની આશા વ્યક્ત કરી રહ્યા છે.


