રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ
સભાસદોના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
અગ્ર ગુજરાત, રાજુલા
રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું. રાજુલા ખાતે આવેલ આહિર જ્ઞાતિ વાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ સભા મંડળીના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ એ.ધાધલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. સભા દરમિયાન પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ધાધલ તથા મંત્રી ભાણભાઈ મેગળે ઉપસ્થિત તમામ સભાસદોને મંડળીની વિવિધ કામગીરી અને પ્રગતિ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. આ તકે વર્ષ ૨૦૦૭થી સતત ૨૦ વર્ષ સુધી મંડળીના પ્રમુખ તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર ધર્મેન્દ્રભાઈ ધાધલના નેતૃત્વ હેઠળ મંડળીએ કરેલા અભૂતપૂર્વ વિકાસની વિગતો ભાણભાઈ મેગળ અને પ્રમોદભાઈ કાનપરિયાએ રજૂ કરી હતી. આ સાધારણ સભામાં મંડળીના નિવૃત્ત શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ કે જેમણે પ્રથમ ત્રણ ક્રમ મેળવ્યા છે તેમને શિલ્ડ એનાયત કરાયા હતા, જ્યારે ૮૦% થી વધુ ગુણ મેળવનાર બાળકોને પ્રોત્સાહક ઇનામો આપીને બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું સન્માન કરાયું હતું. સભામાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણના સ્તરને વધુ ઊંચું લાવવા સહિતની અનેક મહત્વની બાબતો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ચોમાસાની સીઝન અને ચાલુ વરસાદ હોવા છતાંપણ મંડળીના સભાસદો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનીષભાઈ વાઘેલાએ કર્યું હતું જ્યારે અંતમાં રતિલાલભાઇ સાવલીયાએ આભાર વિધિ સંપન્ન કરી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ ઉપસ્થિતો માટે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળીના મંત્રી ભાણભાઈ મેંગળ, પ્રમોદભાઇ, જેઠવાભાઈ, ભુવાભાઈ, વિજયભાઈ, કમલેશભાઈ, જયસુખભાઈ, જગદીશભાઈ, પંકજભાઈ તેમજ કર્મચારી ચેતનભાઈ અને ધર્મેશભાઈ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


