અમરેલી જિલ્લામાં સર્વે કરાવી તાકિદે સહાય આપવા મુખ્યમંત્રીને રજૂઆત
ભારે વરસાદને કારણે ખેતરોનુ ધોવાણ, બાગાયતી પાક, પશુધન, મકાનો અને વેપારીઓને નુકસાનનું થયું
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લામાં ગત તા.૪/૭/૨૦૨૬થી આજ દિન સુધી પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને લઇને અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઇ કાનાણી દ્વારા સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. જીલ્લા પ્રમુખે અમરેલી જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતો, વેપારીઓ અને નાગરિકોને થયેલ નુકસાનીનું યોગ્ય વળતર જાહેર કરી ખાસ રાહત પેકેજ આપવા માંગણી કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું છે તેમજ બાગાયતી પાક, પશુધન અને રહેણાંક મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત સ્થાનિક વેપારીઓની દુકાનોમાં પાણી ઘુસી જવાથી કિંમતી માલ-સામાન બગડી ગયો છે. અને માટી કામ સાથે સંકળાયેલા ઈંટોના ભઠ્ઠાઓ પણ સંપૂર્ણ નાશ પામ્યા છે. જેથી સરકાર દ્વારા સત્વરે નુકસાનીનો સર્વે કરાવીને સહાયરૂપી આર્થિક વળતર આપવું અત્યંત જરૂરી બન્યું છે. વધુમાં જણાવ્યું કે, વ્યક્તિગત નુકસાનીની સાથે-સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ, નાળા અને પુલિયાઓને પણ વ્યાપક નુકસાન થયું છે. અનેક ગામોમાં પાણી ભરાઇ જવાને કારણે કાચા રસ્તાઓ ધોવાઈ ગયા છે અને વાહનવ્યવહાર ખોરવાયો છે. પ્રજાની હાલાકી દૂર કરવા માટે આ તમામ રસ્તાઓનું યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ શરૂ કરવામાં આવે તે જરૂરી છે. ત્યારે નુકશાનીનો વહેલી તકે સર્વે કરાવી સરકારના નીતિ-નિયમો મુજબ યોગ્ય વળતર અને ખાસ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી જીલ્લા પ્રમુખ અતુલભાઇ કાનાણી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરવામાં આવી છે.


