અમરેલીમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો કરૂણ અંજામ : સિંહના હુમલામાં યુવકનું મોત
વન વિભાગ દ્વારા બે શખસોની અટકાયત
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ગેરકાયદેસર સિંહ દર્શનની એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. લીલીયાના અંટાળિયા-લુવારિયા વીડી વિસ્તારમાં પ્રતિબંધિત હોવા છતાં સિંહ જોવા ગયેલા યુવકોના જૂથ પર સિંહે અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સોહિલ મુજાવર નામના ૨૧ વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ હુમલા બાદ સિંહ એટલો હિંસક અને ખીજાયેલો હતો કે તે મૃતદેહને છોડવા તૈયાર ન હતો. વન વિભાગ ટીમે ભારે જહેમત અને કલાકોની મથામણ બાદ સિંહને દૂર કરી યુવકના મૃતદેહને તેના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે વન વિભાગ અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે શખ્સોની અટકાયત કરી છે. ગેરકાયદેસર રીતે યુવકોને સિંહ બતાવવા લઇ જવામાં આ લોકોની શું ભૂમિકા હતી તે અંગે સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે ડીસીએફ ચિરાગ અમીન દ્વારા સત્તાવાર પ્રતિક્રિયા આપી કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર ‘લાયન શો’નો કાળો કારોબાર ચાલી રહ્યો છે. સ્થાનીકો વનવિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે જો વન વિભાગે અગાઉ જ આવા તત્વો સામે કડક પગલાં ભર્યા હોત તો આજે એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત. ત્યારે હાલ વનવિભાગ એક સિંહને પાંજરે પુરવામાં આવ્યો હતો.


