માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી
મૃતકના વાલી વારસની પોલીસ દ્વારા શોધખોળ
અગ્ર ગુજરાત, માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કામનાથ રોડ પર આવેલ શેખમીયા તળાવમાં એક અજાણ્યા શખ્સની લાશ તરતી હોવાનું માલુમ પડતાં, સનસનાટી ગઈ હતી. તળાવમાં લાશ તરતી હોવાની વાત વાયુવેગે ફેલતા ચૂના ભટ્ટી નજીક તળાવ પાસે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હોતા.
ઘટનાની જાણ થતાં માંગરોળ પોલીસ ઘટના સ્થળે દોડી હતી. સ્થાનિક લોકો અને નગરપાલિકાના કર્મચારીઓની મદદથી આઇબ્રો મશીનના સહારે મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રાથમિક રીતે મૃતદેહ ત્રણેક દિવસથી પાણીમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતદેહ ફૂલી ગયેલી હાલતમાં હોવાથી ઘટનાસ્થળે દુર્ગંધ પણ ફેલાઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
પ્રાથમિક માહિતી અનુસાર, માંગરોળના દેવીપૂજકવાસ વિસ્તારમાં રહેતા ચમન નામના વ્યક્તિ છેલ્લા એકાદ-બે દિવસથી ગુમ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. આજે તેમનો મૃતદેહ તળાવમાં તરતી હાલતમાં જોવા મળતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. દેવીપૂજક ચમન માનસિક રીતે અસ્વસ્થ અને લધુશંકાએ તળાવ નજીક ગયો હોય અને પગ લપશી જવાથી તળાવમાં પડી ગયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.


