હોમી દસ્તુર માર્ગનું અંડરપાસ જોખમી, નવુ બનાવ્યાના એક વર્ષમાં પોપડા પડવા લાગ્યા
બાંધકામમાં ગંભીર ક્ષતિઓના આક્ષેપ, રૂ.૪ કરોડનો જંગી ખર્ચ પાણીમાં : કામગીરીની ગુણવત્તા સામે લોકોમાં ઉઠેલા સવાલો : ચોમાસાની સિઝનમાં જોખમ વધ્યુ હોવાની રાવ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એસ્ટ્રોન નજીક હોમી દસ્તુર માર્ગ પર રેલવે સાથે સંકલન કરીને રૂ. 4 કરોડનાં ખર્ચે અંડરપાસ (નાલું) બનાવવામાં આવ્યું હતું. ઓગષ્ટ 2025માં અંડરપાસ લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યારે જ તેમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાનું સામે આવ્યું હતું. છતાં અંડરપાસ ખુલ્લું મુકવામાં આવતા હજારો વાહન ચાલકોને રાહત મળી હતી.
જોકે હજુ એકવર્ષ પણ પૂરું થયું નથી ત્યાં જ આ અંડરપાસમાં પોપડા ઉખડવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને મનપા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે સ્ટે. ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, આ કામ મનપા નહીં પરંતુ રેલવે દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે તરત જ રેલવે તંત્રને જાણ કરાશે અને શક્ય તેટલું ઝડપથી સમારકામ થશે.
પ્રાપ્ત વિગત મુજબ યાજ્ઞિક રોડ તરફથી અમીન માર્ગ જવા માટે મનપા દ્વારા ડો.હોમી દસ્તુર માર્ગ પર રૂ. 4 કરોડનાં ખર્ચે રેલવે સાથે સંકલન કરીને નાલું (અંડરપાસ) બનાવવામાં આવ્યું હતું. જોકે તેમાં પાણી નિકાલ માટેની સમસ્યા હોવાથી લાંબા સમયથી નાલું ખુલ્લું મુકવામાં આવતું નહોતું. પરંતુ ઓગષ્ટ -2025માં વરસાદની ખાસ શક્યતા નહીં હોવાથી મનપા દ્વારા કોઇ પ્રકારના ઉદ્ઘાટનનાં તાયફાઓ વિના આ નાલું ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેને લઈને યાજ્ઞિક રોડ તરફથી અમીન માર્ગ જતા હજારો વાહન ચાલકોને વધુ એક રસ્તો મળતા ટ્રાફિક સમસ્યા હળવી થઇ છે.
જોકે આ અંડરપાસ (નાલું) ખુલ્લું મુક્યાને હજુ એક વર્ષ પણ થયું નથી. ત્યાં જ તેના બાંધકામમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે. જેમાં આ અંડરપાસમાં અત્યારથી અમુક સ્થળે પોપડા ઉખડવા લાગ્યા છે. અહીંથી દરરોજ અનેક વાહન ચાલકો પસાર થતા હોય છે, હાલ ચોમાસાનો જ સમય પણ ચાલી રહ્યો છે. ત્યારે આ નબળા બાંધકામને કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, હોમી દસ્તુર માર્ગ પર રેલવે સાથે સંકલન કરીને બનાવવામાં આવેલ અંડરપાસ બનાવાયું હતું. રૂ. 4 કરોડના જંગી ખર્ચે બનેલા આ અંડરપાસમાં માત્ર એકવર્ષમાં પોપડા ઉખડયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેને લઈને તંત્રની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે હાલ આ કામગીરી રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી હોવાથી મનપા દ્વારા આ મામલે રેલવેને જાણ કરવામાં આવશે. આ જાણ થયા બાદ રેલવે દ્વારા ક્યારે સમારકામ કરવામાં આવે છે તે જોવું રહ્યું.
રેલવેને જાણ કરાશે : સ્ટે.ચેરમેન
સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, મારા ધ્યાન ઉપર આવી છે. જેને લઈને તરત જ સિટી એન્જીનિયર સાથે વાત કરતા આ કામ રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ત્યાંથી દરરોજ પસાર થતા હજારો વાહન ચાલકો સાથે જોડાયેલી બાબત હોવાથી આ અંગે તાત્કાલિક રેલવેને જાણ કરવામાં આવશે અને શક્ય તેટલું ઝડપથી તેનું જરૂરી સમારકામ કરવામાં આવશે તેવી ખાતરી તેઓએ આપી હતી.


