પાર્કિંગમાંથી રિક્ષા ઉઠાવતો કુખ્યાત જીતુ લંગડી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો
રાજકોટ, મોરબી અને અમદાવાદમાં રિક્ષા ચોરીનો આતંક મચાવનાર શખ્સ પાસેથી 6 ચોરાઉ રિક્ષા જપ્ત; 13 ગુનાઓનો ભેદ ઉકેલાયો, રૂ.5.70 લાખનો મુદ્દામાલ કબજે
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં સતત વધી રહેલા વાહન ચોરીના બનાવો વચ્ચે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પાર્ક કરેલી ઓટો રિક્ષા ક્ષણોમાં ડાયરેક્ટ કરીને ફરાર થઈ જતો કુખ્યાત વાહનચોર જિતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી ગોવિંદ પરમાર (ઉ.વ.26, રહે. દલિતવાસ, જોડિયા, જામનગર) પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આરોપીની ધરપકડ સાથે પોલીસે ચોરીની છ ઓટો રિક્ષા મળી કુલ રૂ.5.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેની પૂછપરછમાં રાજકોટ, મોરબી અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં નોંધાયેલા 13 વાહન ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ સામે ચાલી રહેલી વિશેષ ઝુંબેશ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એસ. એમ. રાણા અને તેમની ટીમને આ કામગીરીમાં સફળતા મળી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એએસઆઈ વિજયસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ તુલસી ચુડાસમા તેમજ કોન્સ્ટેબલ સંજય ખાખરીયા અને ધર્મેશ ખાંડેખાને જામનગર રોડ પર માધાપર ચોકડી બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે જીતુ લંગડી રાત્રિના સમયે પાર્ક કરેલી ઓટો રિક્ષા કોઈ ચાવી વગર ડાયરેક્ટ કરીને ચોરી કરતો હતો. ત્યારબાદ તે ચોરાયેલી રિક્ષાને ભાડે ચલાવી કમાણી કરતો અને રિક્ષા બગડી જાય અથવા ઉપયોગ લાયક ન રહે ત્યારે રસ્તા પર રેઢી મૂકી ફરી નવી રિક્ષાની ચોરી કરતો હતો. આ રીતે તેણે રાજકોટ ઉપરાંત મોરબી અને અમદાવાદમાં પણ અનેક વાહન ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ મોરબી તાલુકા, મોરબી સિટી, પ્રદ્યુમ્નનગર, ગાંધીગ્રામ, રાજકોટ શહેરના બી-ડિવિઝન, એ-ડિવિઝન, થોરાળા તેમજ અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી રિક્ષા ચોરીઓ કબૂલી હોવાનું બહાર આવ્યું છે. કુલ 13 ગુનાઓના ભેદ ઉકેલાતા અન્ય પોલીસ સ્ટેશનોને પણ મહત્વની માહિતી મળી છે. પોલીસના જણાવ્યા મુજબ જીતુ લંગડી અગાઉ પણ વાહન ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેની સામે અગાઉ પાંચથી વધુ ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે આરોપી પાસેથી મળેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે પણ પૂછપરછ ચાલુ રાખી છે.


