પ્રજાને સલાહ દેતા કલાકારોએ સરકારી કાર્યક્રમો થકી ખિસ્સા ભર્યા
સૌની યોજનાના ડાયરામાં વિવાદીત નિવેદન બદલ ટ્રોલ થયેલા માયાભાઇએ 3.૫૦ લાખ અને કિર્તીદાને રૂ.૧૦ લાખ લીધા : RTIમાં થયેલો ખૂલાસો : જનતાના ટેકસ પર જીવતા કલાકારો જ પ્રજાની ઠેકડી ઉડાવતા હોવાની ચર્ચા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના જાણીતા લોકકલાકારો માયા આહિર અને કિર્તીદાન ગઢવી દ્વારા એક ડાયરા દરમિયાન ટેક્સ ભરવા બાબતે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ સોશિયલ મીડિયા સહિત સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદની વચ્ચે મોરબીના જાગૃત નાગરિક રમેશ ઝીલરીયાએ RTI હેઠળ મેળવેલા આંકડા જાહેર કર્યા છે. જેમાં સૌની યોજનાના એક કાર્યક્રમમાં માયાભાઈએ રૂ. 3.50 લાખ અને કિર્તીદાને બે ડાયરાનાં રૂ. 10 લાખ લીધાનો RTIમાં પર્દાફાશ થયો છે.
વાઇરલ થયેલા વીડિયો અનુસાર, એક ડાયરાના કાર્યક્રમમાં સ્ટેજ પરથી સરકારી કર્મચારીઓનો પક્ષ લેતા માયાભાઈ આહિર એવું કહેતા જોવા મળ્યા હતા કે, સરકારી કર્મચારીઓને કોઈ કહે કે, ‘તમે અમારો પગાર ખાવ છો, જેમ એના બાપુજી નો ટેક્સ ભરતા હોય એમ તમે અમારા ટેક્સના પૈસે પગાર લ્યો છો. આ જ વાતમાં સૂર પુરાવતા અને સામાન્ય જનતાની મજાક ઉડાવતા કિર્તીદાન ગઢવીએ સ્ટેજ પરથી હસતા હસતા કહ્યું હતું કે, એ પાછા ટેક્સ ભરતા નથી અને રેશનિંગના ઘઉં ખાતા હોય છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ RTIના ખુલાસાથી એ સ્પષ્ટ થાય છે કે જનતાના ટેક્સ પર જીવતા કલાકારો જ પ્રજાની ઠેકડી ઉડાવે છે.
કલાકારોના આ અહંકારી નિવેદનથી ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગની લાગણી દુભાઈ છે, કારણ કે દેશનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નાની-મોટી ચીજવસ્તુઓ પર GST ચૂકવે જ છે. આ વિવાદાસ્પદ નિવેદન સામે આવતા જ મોરબીના નાગરિક રમેશ ઝીલરીયાએ વર્ષ 2005ના RTI એક્ટ હેઠળ સરકારી વિભાગોમાંથી સત્તાવાર માહિતી મેળવી હતી. આ માહિતીના હવાલા ટાંકીને તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે રાજકોટ ખાતે 22 જૂન, 2017થી 25 જૂન, 2017 દરમિયાન યોજાયેલા સરકારી સૌની યોજનાના એક લોકાર્પણ કાર્યક્રમમાં આ બંને કલાકારોએ ભાગ લીધો હતો. આ દરમિયાન કુલ 4 ડાયરા થયા હતા. જેમાં માત્ર એક સરકારી કાર્યક્રમમાં માયા આહિરે એક ડાયરાના રૂ. 3.50 લાખ સરકારી તિજોરીમાંથી લીધા હતા. જ્યારે કિર્તીદાન ગઢવીએ 2 ડાયરાના કુલ રૂ. 10 લાખ (રૂ. 5-5 લાખ લેખે બે વાર) ફી પેટે પ્રજાના ટેક્સના પૈસામાંથી વસૂલ્યા હતા. આમ, જે કલાકારો પ્રજાના ટેક્સ પર સવાલ ઉઠાવે છે, તેઓ પોતે જ પ્રજાના ટેક્સના લાખો રૂપિયા સરકારી કાર્યક્રમોમાંથી મેળવે છે.


