નવી દિલ્હી ખાતે કોન્ક્લેવમાં ગુજરાતને પ્રતિષ્ઠિત ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-૨૦૨૬’ એનાયત
બાગાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ગુજરાતને મળ્યું બહુમાન : આર્ય, ઢોલરીયા, જાડેજા, માંકડિયા, ઝાપડિયા
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં જ ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. નવી દિલ્હી ખાતે આયોજિત ‘૧૭મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવ-૨૦૨૬’ અંતર્ગત યોજાયેલ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહમાં ગુજરાતને બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય સ્તરના “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-૨૦૨૬”થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ તથા રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બગડેના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ ગુજરાત વતી આ બહુમાન કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્વીકાર્યું હતું. જે બદલ રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ આર્ય, જીલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ માંકડિયા, વલ્લભભાઈ ઝાપડિયા, જીલ્લા કિસાન મોરચા પ્રમુખ મયુરસિંહ શિંગાળા, મહામંત્રીઓ ડેનીશભાઈ હદવાણી, અનીલભાઈ મકાણી તથા જીલ્લા હોદેદારો, જીલ્લા કિસાન મોરચાના કાર્યકર્તાઓએ આવકાર સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં જીલ્લા હોદેદારો સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, ભારતના કૃષિ ક્ષેત્રમાં નીતિ નિર્માતાઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે સંવાદ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી વર્ષ ૧૯૯૮માં શરૂ થયેલું “એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ” આજે દેશના કૃષિ અર્થતંત્રના એક પ્રભાવશાળી પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વર્ષ ૨૦૦૮માં મહાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ.એમ.સ્વામીનાથનના પરામર્શથી આ ગ્રુપ દ્વારા “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ”ની પહેલ કરવામાં આવી હતી, જેની ૧૭મી કડી તાજેતરમાં જ દિલ્હી ખાતે યોજાઈ છે. જેમાં રાજ્યમાં બાગાયત ક્ષેત્રે થયેલી ઉત્કૃષ્ટ અને દિશાદર્શક કામગીરી તથા નવાચારનાં પરિણામે ગુજરાતને આ સન્માન પ્રાપ્ત થયું છે. આ સન્માન માત્ર સરકારનું નથી, પરંતુ ગુજરાતના લાખો પરિશ્રમી ખેડૂતો અને કૃષિ વિભાગની ટીમનું છે. તેમણે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ગુજરાતના અન્નદાતાઓના ચરણોમાં સમર્પિત કરીને રાજ્યના તમામ ખેડૂતો, બાગાયત ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓ અને કૃષિ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.


