રાજયની નવ નવી મનપાને સરકાર વિનામુલ્યે આપશે સરકારી જમીન
જાહેર હિતના વિકાસ કાર્યોને વેગ આપવા નિર્ણય
અગ્ર ગુજરાત, ગાંધીનગર
રાજ્યમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓના વિકાસને વેગ આપવા અને નાગરિકોને વધુ સારી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર એમ કુલ નવ નવી મહાનગરપાલિકાઓને આગામી પાંચ વર્ષ સુધી જાહેર હિતના વિકાસકાર્યો માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવાનો નિર્ણય કર્યો છે.
આ મહાનગરપાલિકાઓ અગાઉ ‘અ’ વર્ગની નગરપાલિકાઓ હતી અને હાલમાં મહાનગરપાલિકા તરીકેના ટ્રાન્ઝિશન તબક્કામાં છે. તેમની હદમાં નવા વિસ્તારોનો સમાવેશ થતાં મૂળભૂત નાગરિક સુવિધાઓનો વ્યાપ પણ વધ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કક્ષાએ જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવી વિકાસકાર્યોને ઝડપી બનાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
સરકારના નિર્ણય મુજબ નગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી), વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ડબલ્યુટીપી), ભૂગર્ભ ગટર વ્યવસ્થા, પંપિંગ સ્ટેશન, પાણી પુરવઠા યોજનાઓ, સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, બાલવાડી (આંગણવાડી) તેમજ ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ અને કન્વેન્શન સેન્ટર જેવા કુલ 11 જાહેર ઉપયોગના પ્રોજેક્ટ્સ માટે સરકારી જમીન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓમાં ફાયર સ્ટેશન, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, વેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય પાયાની સુવિધાઓના વિકાસને ગતિ મળશે. પરિણામે શહેરી વિસ્તારોમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થશે, વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ થશે અને નાગરિકોને વધુ કાર્યક્ષમ તથા ગુણવત્તાસભર જાહેર સેવાઓનો લાભ મળશે.


