જૂના વિવાદો હવે નવા પ્રોજેક્ટ પર ભારે
હવે માત્ર પ્રોજેક્ટ નહીં, બિલ્ડરનો ટ્રેક રેકોર્ડ પણ તપાસશે GujRERA
જૂના પ્રોજેક્ટની પેન્ડિંગ ફરિયાદો, વિલંબિત પઝેશન અને નિયમભંગના કેસોની અસર હવે નવા પ્રોજેક્ટની નોંધણી પર પણ પડશે; ગ્રાહકોને વધુ પારદર્શક માહિતી મળશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં ઘર ખરીદનારાઓના હિતોની વધુ અસરકારક સુરક્ષા માટે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA)એ નવા પ્રોજેક્ટોની નોંધણી પ્રક્રિયામાં વધુ કડક અભિગમ અપનાવવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી મુખ્યત્વે પ્રોજેક્ટ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતી હતી, પરંતુ હવે નવા પ્રોજેક્ટ માટે અરજી કરનારા પ્રમોટર અથવા બિલ્ડરના અગાઉના તમામ પ્રોજેક્ટ્સનો ટ્રેક રેકોર્ડ પણ તપાસવામાં આવશે. ખાસ કરીને ગ્રાહકોની ફરિયાદો, પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સ્થિતિ અને નિયમોના પાલનની વિગતને વધુ મહત્વ આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, GujRERAની પ્રાથમિક સમીક્ષામાં સામે આવ્યું છે કે નવા નોંધણી માટે આવતા લગભગ અડધાથી વધુ પ્રોજેક્ટ્સ એવા પ્રમોટરો સાથે જોડાયેલા છે, જેમની અગાઉની યોજનાઓ સામે હજુ પણ ગ્રાહકોની ફરિયાદો અથવા વિવાદો પેન્ડિંગ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાધિકારીએ નોંધણી પ્રક્રિયામાં વધુ જવાબદારી અને પારદર્શિતા લાવવાનો નિર્ણય કર્યો છે.
નવી વ્યવસ્થા હેઠળ કોઈપણ બિલ્ડર નવા પ્રોજેક્ટ માટે અરજી કરશે ત્યારે માત્ર હાલના પ્રોજેક્ટના દસ્તાવેજો જ નહીં, પરંતુ તેના અગાઉના પ્રોજેક્ટ્સમાં સમયસર પઝેશન આપવામાં આવ્યું હતું કે નહીં, ગ્રાહકોની કેટલી ફરિયાદો નોંધાઈ હતી, તે ફરિયાદોનો નિકાલ થયો છે કે નહીં અને નિયમોના ભંગના કેસો હજુ પણ ચાલુ છે કે નહીં તેની પણ વિગતવાર ચકાસણી કરવામાં આવશે. જો ગંભીર પ્રકારની ફરિયાદો અથવા લાંબા સમયથી પેન્ડિંગ રહેલા વિવાદો સામે આવશે તો તેની સીધી અસર નવા પ્રોજેક્ટની નોંધણી પ્રક્રિયા પર પડી શકે છે.
અધિકારીઓનું કહેવું છે કે GujRERAનો હેતુ માત્ર દંડાત્મક કાર્યવાહી કરવાનો નથી, પરંતુ જવાબદાર અને વિશ્વસનીય ડેવલપરોને પ્રોત્સાહન આપવાનો પણ છે. જે બિલ્ડરો સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરે છે અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરે છે તેમને કોઈ મુશ્કેલી નહીં પડે, જ્યારે નિયમોના વારંવાર ભંગ કરનાર અથવા ગ્રાહકોને મુશ્કેલીમાં મૂકનાર પ્રમોટરો સામે કડક વલણ અપનાવવામાં આવશે.
ગ્રાહકોને વધુ સચોટ અને પારદર્શક માહિતી ઉપલબ્ધ કરાવવા માટે GujRERA પોતાના ઓનલાઈન પોર્ટલમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવાની તૈયારીમાં છે. નવા અપડેટ બાદ ઘર ખરીદવા ઈચ્છતા લોકો કોઈપણ બિલ્ડરના અગાઉના પ્રોજેક્ટ્સ, તેમની સામે નોંધાયેલી ફરિયાદો, કેસોની સ્થિતિ અને અન્ય જરૂરી વિગતો એક જ પ્લેટફોર્મ પર જોઈ શકશે. જેના કારણે રોકાણ કરતા પહેલાં ગ્રાહકો વધુ માહિતગાર નિર્ણય લઈ શકશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક ડેવલપરો નવી LLP અથવા નવી ભાગીદારીના નામે નવા પ્રોજેક્ટ લોન્ચ કરીને અગાઉના પ્રોજેક્ટ્સનો ઇતિહાસ છુપાવવાનો પ્રયાસ કરતા હોવાની બાબત પણ સામે આવી હતી. હવે GujRERA PAN આધારિત સિસ્ટમ દ્વારા પ્રમોટર અને તેમના ભાગીદારોને એકબીજા સાથે લિંક કરશે. પરિણામે કોઈપણ વ્યક્તિ માત્ર કંપનીનું નામ અથવા ભાગીદારી બદલીને જૂની જવાબદારીઓથી બચી શકશે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક ફરિયાદના આધારે નવા પ્રોજેક્ટની નોંધણી અટકાવવામાં આવશે એવું નથી. પરંતુ ગંભીર અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ફરિયાદો, નિયમોના વારંવાર થતા ઉલ્લંઘન અથવા ગ્રાહકોના હિતોને નુકસાન પહોંચાડતા કેસોમાં સત્તાધિકારી નવા પ્રોજેક્ટની નોંધણી, પ્રોજેક્ટમાં ફેરફાર અથવા સમયવધારા સંબંધિત મંજૂરી અંગે કડક નિર્ણય લઈ શકે છે. GujRERAના આ નવા અભિગમથી રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધુ જવાબદારી, પારદર્શિતા અને ગ્રાહક વિશ્વાસ વધવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મુખ્ય મુદ્દા
નવા પ્રોજેક્ટ પહેલાં બિલ્ડરના સમગ્ર ટ્રેક રેકોર્ડની તપાસ થશે.
જૂના પ્રોજેક્ટની પેન્ડિંગ ફરિયાદોની અસર નવી નોંધણી પર પડી શકે.
સમયસર પઝેશન અને નિયમોના પાલનને મહત્વ આપવામાં આવશે.
ગ્રાહકોને શું ફાયદો?
બિલ્ડરના જૂના પ્રોજેક્ટની માહિતી સરળતાથી મળશે.
ફરિયાદો અને કેસોની સ્થિતિ ઓનલાઈન જોઈ શકાશે.
વધુ માહિતીના આધારે સુરક્ષિત રોકાણનો નિર્ણય લઈ શકાશે.
PAN આધારિત નવી વ્યવસ્થા
પ્રમોટર અને પાર્ટનરોને PAN દ્વારા લિંક કરવામાં આવશે.
નવી LLP અથવા નવી ભાગીદારી બનાવી જૂનો ઇતિહાસ છુપાવવો મુશ્કેલ બનશે.
જવાબદારીથી બચવાના પ્રયાસો પર અંકુશ આવશે.
ક્યારે થશે કડક કાર્યવાહી?
લાંબા સમયથી પેન્ડિંગ ગંભીર ફરિયાદો હોય ત્યારે.
વારંવાર નિયમોના ઉલ્લંઘનના કેસોમાં.
સમયસર પઝેશન ન આપવાના ગંભીર વિવાદોમાં.
GujRERAનો મુખ્ય હેતુ
ઘર ખરીદનારાઓના હિતોનું રક્ષણ.
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવી.
જવાબદાર અને વિશ્વસનીય ડેવલપરોને પ્રોત્સાહન આપવું.
ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત બનાવવો.


