વેરાવળ SMC દરોડામાં નિર્દોષ લોકોને ફસાવી ગંભીર કલમો લગાડવામાં આવી હોવાનો ધારાસભ્યનો આક્ષેપ
ધારાસભ્યએ ઉચ્ચ અધિકારીઓને લેખીત રજુઆત કરી તટસ્થ તપાસ કરી નિર્દોષ લોકોને ન્યાય આપવા માંગ કરી
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળના કોળીવાડા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમએ પાડેલ દરોડા દરમ્યાન સર્જાયેલ ઘટના અંગે નોંધાયેલા ગુનામાં નિર્દોષ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હોવા ઉપરાંત દરોડામાં કાયદાકીય પ્રક્રીયાનું પાલન ન થવાની સાથે મહિલા પોલીસને સાથે રાખવા જેવી અનેક જોગવાઈઓનો ભંગ કરાયાનો આક્ષેપ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કર્યો છે. આ અંગે ધારાસભ્યએ કોળી સમાજના આગેવાનો સાથે જીલ્લા પોલીસવડાને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી તટસ્થ તપાસ કરી નિર્દોષ લોકોને ન્યાય આપવા માંગ કરી છે.
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, વેરાવળમાં SMC ના દરોડા મામલે નોંધાયેલા ગુનામાં અંદાજે ૨૦૦ લોકોના ટોળા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ઉપરાંત અનેક મહિલા-પુરૂષોની ખોટી અટકાયત કરાઈ હોવાનો દાવો કરી સમગ્ર ઘટનાની તટસ્થ અને ન્યાયિક તપાસ કરાવવાની સાથે ગુનામાં લગાવાયેલ બીએનએસ કલમ ૧૦૯(૧) (જૂની IPC કલમ ૩૦૭ને અનુરૂપ) સહિતની ગંભીર કલમો દુર કરવાની માંગ કરી છે. આ દરોડામાં SMCના અધિકારીઓ કથિત રીતે સિવિલ ડ્રેસમાં અને મહિલા પોલીસ વગર રહેણાંક મકાનમાં પ્રવેશ્યા હતા. બાદ ઘરમાં રહેલા સભ્યો સાથે મારપીટ કરીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. જેના અવાજથી આસપાસના લોકો ભેગા થઈ ગયેલ પરંતુ બાદમાં આ લોકોને હુમલાખોર ટોળા તરીકે દર્શાવી ગંભીર ગુનો નોંધવેલ હોવાનો આક્ષેપ કર્યો છે.
આ દરોડા-રેઇડ દરમ્યાન કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નહોતું. જેમાં ફરજીયાત વિડિયો રેકોર્ડિંગ તથા મહિલા પોલીસની હાજરી જેવી જોગવાઈઓનો ભંગ થયો હતો. જેથી આ સમગ્ર કાર્યવાહી પોલીસની ભૂલો છુપાવવા માટે કરવામાં આવી હોવાનું આક્ષેપ કર્યો છે. ઉપરાંત આ ઘટનાના અનેક આરોપીઓ દૈનિક મજૂરી કરીને જીવન ગુજારતા સામાન્ય નાગરિકો છે. જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. કેટલાક વૃદ્ધો, મહિલાઓ તથા યુવાનોને પણ આરોપી બનાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. જેમાં ઘટનાસ્થળે હાજર ન હોવા છતાં કેટલાય લોકોને જેલમાં મોકલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી તેમની અન્યત્ર હાજરી હોવાના સીસીટીવી ફુટેજ ચકાસી નિર્દોષોને મુક્ત કરવાની માંગ કરી છે. ધારાસભ્યએ આ રજૂઆતની નકલ રાજ્યના ગૃહમંત્રી, ગૃહ સચિવ, ડીજીપી તથા રેન્જ આઈજીને પણ મોકલી હોવાનું અંતમાં જણાવ્યું છે.


