ગીર-ગિરનારમાં હવે કડક સુરક્ષા કવચ
સાયલેન્સ ઝોનથી ગેરકાયદે રિસોર્ટ સુધી સરકારનો મોટો પ્રહાર
સિંહ-માનવ સંઘર્ષ અટકાવવા ગિરનારમાં ચેકપોસ્ટ, 25 ટ્રેકર્સ, યાત્રાળુઓ પર નિયંત્રણ; ગ્રેટર ગીરમાં નવા રિસોર્ટ પર પ્રતિબંધ અને ગેરકાયદે એકમો સામે તોડફોડની કાર્યવાહીના નિર્ણયો
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢના ગિરનાર પર્વત પર તાજેતરમાં સીડી માર્ગ પર 11 વર્ષીય બાળક પર થયેલા સિંહના જીવલેણ હુમલા અને છેલ્લા દોઢ મહિનામાં ગ્રેટર ગીર વિસ્તારમાં સિંહ-માનવ સંઘર્ષની વધતી ઘટનાઓને પગલે ગુજરાત સરકારે વન્યજીવ સંરક્ષણ અને યાત્રાળુઓની સુરક્ષા માટે અનેક ઐતિહાસિક અને કડક નિર્ણયો જાહેર કર્યા છે. ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ ગિરનાર અને દાતાર પર્વતના સીડી માર્ગને સાયલેન્સ ઝોન જાહેર કરવાની સાથે ગીર વિસ્તારમાં નવા રિસોર્ટ અને હોટલોને મંજૂરી પર પણ રોક લગાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારના નિર્ણય મુજબ ગિરનાર પર્વતની સીડીઓ પર તેમજ વન્યજીવોની અવરજવર વધુ હોય તેવા સંવેદનશીલ વિસ્તારોમાં કાયમી ફોરેસ્ટ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. આ ચેકપોસ્ટ મારફતે યાત્રાળુઓની સુરક્ષા, સિંહ સહિતના વન્યજીવોની હિલચાલ અને સમગ્ર વિસ્તારનું ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવશે. સાથે જ વન વિભાગ દ્વારા વિશેષ તાલીમબદ્ધ 25 ફોરેસ્ટ ટ્રેકર્સની કાયમી નિમણૂક કરીને સતત પેટ્રોલિંગ શરૂ કરાશે.
વન્યજીવોને માનવીય અવાજ અને ઘોંઘાટથી થતી ખલેલ અટકાવવા ગિરનાર અને દાતારના સમગ્ર સીડી માર્ગને સત્તાવાર રીતે સાયલેન્સ ઝોન જાહેર કરવામાં આવશે. લાઉડ મ્યુઝિક, બૂમાબૂમ અને અન્ય અવાજજન્ય પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મુકવામાં આવશે, જેથી વન્યજીવો ઉશ્કેરાય નહીં અને યાત્રાળુઓ પણ વધુ સુરક્ષિત રહે.
બીજી તરફ, ગ્રેટર ગીર વિસ્તારમાં અનિયંત્રિત પર્યટન અને ગેરકાયદે રિસોર્ટોના કારણે સિંહોના કુદરતી રહેઠાણ પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને સરકારે હવે કોઈપણ નવા રિસોર્ટ કે હોટલને મંજૂરી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ મંજૂરી વિના ચાલી રહેલા ગેરકાયદે રિસોર્ટ, હોટલો અને અન્ય એકમો સામે કાર્યવાહી કરીને જરૂરી હોય ત્યાં તોડફોડ પણ કરવામાં આવશે.
વન વિભાગ ટૂંક સમયમાં સમગ્ર ગ્રેટર ગીર વિસ્તારમાં સર્વે હાથ ધરી ગેરકાયદે એકમોની ઓળખ કરશે. ખાસ કરીને ધારી-તુલસીશ્યામ કોરિડોર, તલાલા, સાસણ અને મેંદરડા વિસ્તારમાં હોમસ્ટેના નામે ચાલતા અને રિસોર્ટમાં ફેરવાયેલા એકમોની પણ તપાસ થશે. ગેરકાયદે લાયન શો અને વન્યજીવ પર્યટન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકાર હવે અભયારણ્યમાંથી પસાર થતા આંતરિક રસ્તાઓ પર વાહનોની અવરજવર પણ ટેક્નોલોજીની મદદથી નિયંત્રિત કરશે. ચેકપોસ્ટો પર દેખરેખ વધુ મજબૂત બનાવવામાં આવશે અને સંવેદનશીલ વિસ્તારોમાં લાંબા સમય સુધી ઉભા રહેલા વાહનોને પણ ટ્રેક કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાશે. પીક સીઝનમાં યાત્રાળુઓની સંખ્યા મર્યાદિત રાખવા, જૂથવાર પ્રવેશ આપવા તેમજ દરેક જૂથ સાથે ફોરેસ્ટ ટ્રેકર્સ તૈનાત કરવાની યોજના પણ તૈયાર થઈ રહી છે. સ્થાનિક ડોળીવાળાઓને પણ ખાસ તાલીમ આપવામાં આવશે, જેથી યાત્રા દરમિયાન વન્યજીવોને ઓછામાં ઓછી ખલેલ પહોંચે.
સરકારના આ નિર્ણયોનો મુખ્ય હેતુ ગીર અને ગિરનાર વિસ્તારમાં સિંહ-માનવ સંઘર્ષ ઘટાડવાનો, વન્યજીવોના કુદરતી રહેઠાણનું સંરક્ષણ કરવાનો અને લાખો યાત્રાળુઓને વધુ સુરક્ષિત વાતાવરણ પૂરૂં પાડવાનો છે.
ગિરનારમાં હવે શું બદલાશે?
ગિરનારની સીડીઓ પર કાયમી ફોરેસ્ટ ચેકપોસ્ટ
24 કલાક મોનિટરિંગ વ્યવસ્થા
સંવેદનશીલ સ્થળોએ વધારાની સુરક્ષા
યાત્રાળુઓ પર સતત નજર
ગિરનાર-દાતાર બનશે સાયલેન્સ ઝોન
લાઉડ મ્યુઝિક પર નિયંત્રણ
બૂમાબૂમ અને ઘોંઘાટ પર રોક
વન્યજીવોને ખલેલ અટકાવવાનો પ્રયાસ
યાત્રાળુઓને પણ નિયમોનું પાલન ફરજિયાત
25 ટ્રેન્ડ ટ્રેકર્સ રહેશે તૈનાત
સતત પેટ્રોલિંગ કરશે
સિંહોની હિલચાલ પર નજર
યાત્રાળુઓને માર્ગદર્શન આપશે
ઇમરજન્સીમાં તાત્કાલિક મદદ
ગીરમાં નવા રિસોર્ટ પર બ્રેક
નવી હોટલ કે રિસોર્ટને મંજૂરી નહીં
પર્યટન નીતિની સમીક્ષા બાદ જ નિર્ણય
ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી
ગેરકાયદે લાયન શો પર સખત કાર્યવાહી
લાયન શો સંપૂર્ણ બંધ કરાશે
વન્યજીવ પર્યટનના નિયમો કડક બનશે
હોમસ્ટેના નામે ચાલતા રિસોર્ટની તપાસ
વાહનો પર ટેક્નોલોજીથી નજર
ચેકપોસ્ટ પર સ્માર્ટ મોનિટરિંગ
લાંબા સમય સુધી ઉભા વાહનો ટ્રેક થશે
સંવેદનશીલ વિસ્તારોમાં કડક નિયંત્રણ
યાત્રાળુઓ માટે નવા નિયમો
પીક સમયમાં મર્યાદિત પ્રવેશ
જૂથવાર યાત્રા
દરેક જૂથ સાથે ફોરેસ્ટ ટ્રેકર્સ
ડોળીવાળાઓને વિશેષ તાલીમ
સરકારના મુખ્ય ઉદ્દેશ
સિંહ-માનવ સંઘર્ષ ઘટાડવો
વન્યજીવોનું રહેઠાણ સુરક્ષિત રાખવું
ગેરકાયદે પર્યટન પર રોક
યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી


