યુવાધનને રાષ્ટ્રસેવા અને સ્વાસ્થ્ય જાગૃતિ તરફ વાળતી કણસાગરા મહિલા કોલેજ
વિવિધ વિષય અંગે છાત્રોને માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રીમતી કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ હંમેશાં તેની વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ અને સામાજિક ઉત્થાન માટે અગ્રેસર રહી છે. આ જ કડી અંતર્ગત કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા તાજેતરમાં બે અત્યંત મહત્વપૂર્ણ અને સમાજલક્ષી કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ ૧૦ થી ૧૬ જુલાઈ ૨૦૨૬ દરમિયાન કોલેજના NSS વિભાગ દ્વારા ૧૩ ઉત્સાહી અને સમર્પિત વિદ્યાર્થીઓએ રાજકોટ સ્થિત સ્પીપા (SPIPA) સેન્ટર ખાતે આયોજિત વિશેષ SDRF (State Disaster Response Force) ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ કોટક અને NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. રેણુકા બી. ચાવડાના સક્ષમ નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીનીઓએ આ ૭-દિવસીય રેસિડેન્શિયલ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો. આ સઘન તાલીમ દરમિયાન વિદ્યાર્થીનીઓએ પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ તેમજ અન્ય તાત્કાલિક કટોકટીના સમયે બચાવ કાર્ય (Rescue Operations) અને પ્રાથમિક સારવાર (First-Aid) આપવાના મહત્વપૂર્ણ પ્રેક્ટિકલ ગુણ શીખ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓ સમાજમાં સર્ટિફાઇડ ‘આપદા મિત્ર’ તરીકે પ્રથમ રિસ્પોન્ડર બની નિઃસ્વાર્થ સેવા આપવા માટે સજ્જ બન્યા છે.
સ્વાસ્થ્ય ક્ષેત્રે જાગૃતિ લાવવાના હેતુથી NSS વિભાગ દ્વારા તા. ૧૬/૭/૨૦૨૬ ના રોજ કોલેજ કેમ્પસ ખાતે એક ખાસ ‘AIDS અવેરનેસ એન્ડ એજ્યુકેશન સેમિનાર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે લંડનથી પધારેલા પ્રખ્યાત તબીબી નિષ્ણાત ડૉ. એસ. એચ. વિસાવડીયા (M.B.B.S, London) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખૂબ જ સરળ અને તબીબી ભાષામાં એડ્સ સંબંધિત સાચી માહિતી પૂરી પાડી અને તેના વિશે ફેલાયેલા સામાજિક ભ્રમોને દૂર કર્યા હતા. આ જ્ઞાનવર્ધક સેમિનારમાં કોલેજની ૧૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર હાજરી આપી પોતાના સ્વાસ્થ્ય પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ કોટકે આપત્તિ વ્યવસ્થાપન ટ્રેનિંગ પૂર્ણ કરનાર તમામ ૧૩ જાંબાઝ વિદ્યાર્થીનીઓ અને હેલ્થ સેમિનારમાં સક્રિયતા દાખવનાર તમામ સ્વયંસેવકોની પ્રશંસા કરી પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા પાછળ NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. રેણુકા બી. ચાવડાએ જહેમત ઉઠાવી હતી.


