ફાયર NOCની ઐસી-તૈસી! ૧૮૦ કલાસીસમાં નિયમોનો ઉલાળ્યો
જસદણની આલ્ફા સ્કૂલની રાજકોટ બ્રાંચ પાસે NOC જ નથી, 3૧૪માંથી ૧3૪ ટયુશન કલાસીસમાં નિયમોનું પાલન
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણનુ આલ્ફા સંકુલ હાલ વિવાદમાં છે ત્યારે તેની રાજકોટ બ્રાન્ચમાં ગંભીર બેદરકારી સામે આવી છે. કાલાવડ રોડ પર સ્થિત બ્રાન્ચમાં ફાયર NOC ન હોવાનો ખૂલાસો થયો છે એટલે કે વિદ્યાર્થીઓ અહીં જીવના જોખમે અભ્યાસ કરવાની સાથે હોસ્ટેલમાં રહે છે. હાલ મહાનગરપાલિકા દ્વારા આલ્ફા સંકુલ સહિત 180 ટ્યુશન ક્લાસને ફાયરના અપૂરતા સાધનો અને ફાયર NOC ન હોવા મામલે નોટિસ ફટકારવામાં આવી છે.
નોંધનીય છે કે, જસદણના આલ્ફા સંકુલમાં એક બાળકીના રહસ્યમય મોતની ઘટના બાદ પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સામે આવ્યું હતું કે, રાજ્યના 31 શહેરોની અલગ-અલગ શાળાઓના 697 ડમી વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષમાં અભ્યાસ કરાવવામાં આવેલો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતુ કે, મનપાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા રાજકોટમાં 314 જગ્યાએ ટ્યુશન ક્લાસીસ ચાલે છે. એ બધાનું ઇન્સ્પેક્શન કરી લીધું છે અને એમાંથી ટોટલ 134 જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો બરાબર અને વર્કિંગ કન્ડિશનમાં જોવા મળેલા છે. બાકીના જે 180 ટ્યુશન ક્લાસીસ છે. એ લોકોને અમે નોટિસ આપી છે અને નોટિસ આપ્યા પછી એ લોકોએ અમને બાંહેધરી પણ આપી છે કે, અમે જે કંઈ ફાયર સેફ્ટીના નિયમ મુજબ સાધનો લગાવવાના હોય એ બધા અમે લગાવી દેશું.
આ દિવસો દરમિયાન અમે જે રાજકોટમાં ટ્યુશન ક્લાસીસનું એસોસિએશન છે એમની સાથે બે વખત અમે મીટિંગ પણ કરી લીધી છે અને એ લોકોનો રિસ્પોન્સ પણ સારો છે અને હું માનું ત્યાં સુધી હું આશા એવી રાખું છું કે, જે જગ્યાએ નોટિસ આપી છે ત્યાં પણ એ લોકોએ ફાયર સેફ્ટીના સાધનો જે કંઈ નિયમ પ્રમાણે છે એ બધા રાખ્યા હશે. જ્યારે રાજકોટના કાલાવડ રોડ પરના આલ્ફા કોચિંગ ક્લાસિસમાં તપાસ મામલે જણાવ્યું હતું કે, આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં આપણે નોટિસ આપેલી છે અને નોટિસ આપ્યા પછી આપણે જે એમાં દિવસો હોય એ દિવસો આપ્યા પછી આગળની કાર્યવાહી જે કંઈ હશે એ આપણે કરશું.


