રાજકોટ શહેર પીસીબીની ઐતિહાસિક કામગીરી
ગેરકાયદેસર હથિયાર રેકેટમાં 31 હથિયારો સાથે 14 સોદાગરોની ધરપકડ
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબી પીઆઈ એમ આર ગોંડલીયા, પીએસઆઇ આર કે જાડેજા, પીએસઆઇ ત્રાજીયા,અને ટીમની સરાહનીય કામગીરી
અગ્ર ગુજરાત રાજકોટ..
રાજકોટ શહેર પીસીબીની ટીમે વેપન કાર્ટેલ ગેંગનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર અને સપ્લાયરોને પકડી મોટી કાર્યવાહી કરી હતી. જેમાં પકડાયેલ હથિયારના સોદાગર પ્રદીપ કરપડાની પુછતાછમાં તેને અન્ય હથિયાર થાનગઢના શખ્સને આપ્યાની કબૂલાત આપતા પીસીબીની ટીમે બે પિસ્તોલ અને તમંચા
સાથે થાનનો યશપાલસિંહ ઝાલાને પકડી કાર્યવાહી કરી હતી. આ હથિયાર રેકેટમાં પીસીબીએ કુલ ૧૪ હથિયાર સોદાગરોને ૩૧ ગેરકાયદેસર વેપન અને જીવતા કારતુસ પકડી હથિયાર સપ્લાયની લિંક તોડી હતી અને હજું પણ અનેક શખ્સો રડારમાં હોવાનું સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે.
પોલીસ સૂત્રો માંથી મળતી વિગતો મુજબ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શહેર વિસ્તારના લોકોની જાનમાલનુ રક્ષણ થાય અને ગુન્હાખોરી ઉપર અંકુશ રહે તે હેતુસર ગુન્હાઓ અટકાવવા અને અસરકારક કામગીરી કરવાની આપેલ સુચનાથી પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ દ્વારા ગેરકાયદેસર હથીયારોનુ વેંચાણ કરતી “ વેપન કાર્ટેલના ૧૩ શખ્સોને કુલ-૨૮ દેશી બનાવટના હથીયારો તથા જીવતા કાર્ટીસ નંગ-૩૨ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી રિમાન્ડ પર લેવામાં આવ્યાં હતા.
જે તપાસ દરમ્યાન પકડાયેલ શખ્સ અને હથિયાર સપ્લાયર પ્રદિપ કરપડાએ અગાઉ ગેરકાયદેસર દેશી બનાવટના હથીયારો થાનના યશપાલસિંહ ઝાલાને આપેલ હોવાની કબૂલાત આપતાં પીસીબીની ટીમે યશપાલસિંહ જયપાલસિંહ ઝાલા (ઉ.વ.૨૬, ધંધો.ખેતી કામ, રહે.થાનગઢ મેઇન બજાર સાકરીયા શેરી,સુરેન્દ્રનગર) ને દેશી બનાવટની પીસ્ટલ નંગ-૨ તથા દેશી બનાવટના કટ્ટા (તમંચા) સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, પ્રદિપ કરપડાનો ભાઈ વિજય કરપડા અને યશપાલસિંહ ઝાલા મિત્ર હોવાથી પ્રદિપ પાસેથી રૂ.૫૦ હજારમાં પોતાની સુરક્ષા માટે અને રૌફ જમાવવા લીધી હોવાનું સામે આવ્યું છે. હાલ સુધીમાં ગેરકાયદેસર હથીયારોનુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના ૧૪ શખ્સોને કુલ-૩૧ દેશી બનાવટના હથીયારો તથા જીવતા કાર્ટીસ નંગ-૩૨ પકડી પાડવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી, દારૂ, આર્મ્સ એકટ સહિતના ગુના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ છે.
સૂત્રધાર શકીલ, સપ્લાયર પ્રદિપ અને ગાવસ્કરના વધું ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા
વેપન કાર્ટલ નામની ગેંગનો પર્દાફાશ કરી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સપ્લાય થતા હથિયારના મોટા કારસ્તાનનો ભાંડાફોડ કર્યા બાદ મુખ્ય સૂત્રધારો સહિતના શખ્સોને ચાર દિવસના રિમાન્ડ પર લીધા બાદ અનેક ઘટસ્ફોટ થયા હતા. 30 થી વધુ હથિયારો અને અનેક જીવતા કારતસ સાથે અનેક શખ્સોને પકડી પાડી પીસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી હતી. જો કે, પીસીબીની ટીમે વધુ ઊંડાણમાં જઈ અને સૌરાષ્ટ્રભરમાં ફેલાયેલ ગેરકાયદેસર હથિયારો પકડી પાડવાની મુહિમને અવિરત રાખવા માટે કોર્ટ પાસે મુખ્ય સૂત્રધાર અને સપ્લાયરના ફળધર રિમાન્ડ માંગતા મધ્યપ્રદેશના શકીલ મન્સૂરી તેમજ ચોટીલાના સપ્લાયર પ્રદીપ કરપડા અને દર્શન ઉર્ફે ગાવસ્કરના વધુ ચાર દિવસના રિમાન્ડ મજૂર કરતા પીસીબીની ટીમે વધુ હથિયારો પકડી પાડવા તજવીજ આદરી છે.


