ભરૂડી ટોલનાકે મહિલા શૌચાલયમાં મોબાઈલ છુપાવી વીડિયો ઉતારવાનું વિકૃત કારસ્તાન: સફાઈ કર્મચારી ઝડપાયો
ટોલ પ્લાઝાના અધિકારીઓના સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન દરમિયાન ચાલુ વીડિયો રેકોર્ડિંગ સાથે મોબાઈલ મળતા ભાંડો ફૂટ્યો
ગોંડલ તાલુકા પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ગીરસોમનાથના દીપુ ભાદરકાની કરી ધરપકડ: મોબાઈલ FSLમાં મોકલાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ: રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર આવેલા ભરૂડી ટોલપ્લાઝાના મહિલા શૌચાલયમાં મોબાઈલ છુપાવી મહિલાઓના ગુપ્ત વીડિયો ઉતારવાનું એક અત્યંત શરમજનક અને વિકૃત કારસ્તાન ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ટોલ પ્લાઝાના અધિકારીઓના નિયમિત નિરીક્ષણ દરમિયાન આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ શરમજનક કૃત્ય આચરનાર ટોલનાકાના જ સફાઈ કર્મચારી વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રો અને ફરિયાદમાંથી મળતી વિગતો મુજબ, ગત તા. ૧૬ના રોજ ભરૂડી ટોલપ્લાઝાના અધિકારીઓ દ્વારા પ્લાઝા પરિસરમાં નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન અધિકારીઓ જ્યારે મહિલા શૌચાલય તરફ તપાસ કરવા ગયા, ત્યારે ત્યાં ગુપ્ત રીતે છુપાવેલો એક મોબાઈલ ફોન મળી આવતા અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. વધુ તપાસ કરતા આ મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ ચાલુ હોવાનું માલૂમ પડ્યું હતું.
ટોલ પ્લાઝાના સત્તાધીશો દ્વારા તાત્કાલિક આ અંગે તપાસ શરૂ કરાતા જાણવા મળ્યું હતું કે, આ મોબાઈલ ફોન ત્યાં જ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા દીપુ ભાદરકા નામના શખ્સનો છે. કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા વિકૃત સફાઈ કર્મચારીએ કબૂલાત કરી હતી કે તે શૌચાલયનો ઉપયોગ કરવા આવતી મહિલાઓના ખાનગી વીડિયો ઉતારવાના ઇરાદે જ ત્યાં ફોન છુપાવતો હતો.
આ ઘટનાની ગંભીરતાને નજરમાં રાખીને ટોલનાકાના સંચાલકોએ તુરંત ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ વિકૃત સફાઈ કામદાર દીપુ દિલીપ ભાદરકા (રહે. સુત્રાપાડા, જિ. ગીરસોમનાથ) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૭૭ (મહિલાઓની પ્રાઈવસીનો ભંગ કરી ગુપ્ત વીડિયો ઉતારવા) હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
પોલીસે આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરીને વધુ તપાસ અર્થે એફ.એસ.એલ. (FSL) માં મોકલી આપ્યો છે. આ વિકૃત શખ્સે અત્યાર સુધીમાં કેટલી મહિલાઓના વીડિયો ઉતાર્યા છે, તેમજ આ વીડિયો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે અન્ય જગ્યાએ શેર કર્યા છે કે કેમ, તે દિશામાં ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ જી.બી. જાડેજાએ આગળની સઘન તપાસ હાથ ધરી છે.


