ભાવાવદર નજીકના ખાખીજાળીયાની સીમમાં જુગાર રમતા છ ઝડપાયા
રોકડ, મોબાઇલ, મોટરસાયકલ સહિત રૂ.૨.૧૨ લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો
અગ્ર ગુજરાત, ધોરાજી
ભાવાવદર પોલીસ મથકની હદમાં આવેલા ખાખીજાળીયા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ. 2,12,250નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભાવાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજાના નેતૃત્વમાં પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ખાખીજાળીયા ગામની સીમમાં પહોંચી હતી. ત્યાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાનું જણાતા પોલીસે તાત્કાલિક દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સ્થળ પરથી મસરીલાલ ભવાલાલ બોરેચા (રહે. ખાખીજાળીયા), ભાવિનભાઈ મધુસુદન ઉદેશી (રહે. ભાવાવદર), રામદેવભાઈ કારાભાઈ સુવા (રહે. મોજીરા), મનસુખ ઉર્ફે અબ્દુલ ખીમાભાઈ કારેણા (રહે. ચેતીયાપીપળીયા), પંકજભાઈ ગાંગજીભાઈ સપૈયા (રહે. સરપડી) તથા નાગજીભાઈ નાનજીભાઈ જાદુ (રહે. ગુંદાળા) સહિત કુલ છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. 1,06,750ની રોકડ રકમ, જુગાર રમવાના પત્તા, ટોકન અને અન્ય સાધન-સામગ્રી, રૂ. 25,500 કિંમતના મોબાઇલ ફોન તથા રૂ. 80,000 કિંમતની ચાર મોટરસાયકલો સહિત કુલ રૂ. 2,12,250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.એચ. રાણોલિયા, એએસઆઈ શક્તિસિંહ જાડેજા તેમજ પોલીસ સ્ટાફના અન્ય કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી.


