ગુજરાતને મળ્યું પ્રથમ અત્યાધુનિક ‘બીકીપિંગ સેન્ટર’: મહંત સ્વામી મહારાજે કર્યું ઉદ્ઘાટન
સારંગપુરમાં કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ: એક જ છત નીચે મધમાખી સંવર્ધન, પ્રોસેસિંગ અને માર્કેટિંગની સુવિધા આપતા ‘પ્રહંત IBDC’ નું લોકાર્પણ
અગ્ર ગુજરાત, સારંગપુર (બોટાદ)
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) છેલ્લા અનેક દાયકાઓથી આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યની સાથોસાથ પર્યાવરણ તથા ગ્રામોત્થાનના ક્ષેત્રોમાં અવિરત સેવાકાર્યો કરી રહી છે. ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે BAPS ગૌશાળા ટ્રસ્ટ, સારંગપુર દ્વારા ‘પ્રમુખસ્વામી પ્રાકૃતિક ખેતી તાલીમ કેન્દ્ર’ (નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા માન્યતા પ્રાપ્ત) તેમજ ‘મહંતમ્ પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્ર’ (ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના સહયોગથી) પહેલેથી જ સફળતાપૂર્વક કાર્યરત છે.
આ જ કૃષિ સેવાને વધુ વેગ આપવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી, બોટાદ (ગુજરાત) ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘પ્રહંત ઇન્ટિગ્રેટેડ બીકીપિંગ ડેવલપમેન્ટ સેન્ટર (PRAHANT IBDC)’ નું નિર્માણ પૂર્ણ કરી તેનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આ નવનિર્મિત અને અત્યાધુનિક કેન્દ્રનું ઉદ્ઘાટન પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોજાયેલી મુખ્ય ઉદ્ઘાટન સભામાં સંસ્થાના વરિષ્ઠ સંતો પૂજ્ય વિવેકસાગર સ્વામી અને પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વિવિધ સરકારી અધિકારીશ્રીઓ, કૃષિ માર્ગદર્શકો અને મદદનીશોની પ્રેરક ઉપસ્થિતિમાં આ કેન્દ્રનો મંગલ શુભારંભ થયો હતો. અત્રે ખાસ નોંધનીય છે કે, ખેડૂતો અને મધમાખી પાલકોના આર્થિક ઉત્કર્ષ માટે આવું અત્યાધુનિક ‘ઇન્ટિગ્રેટેડ બીકીપિંગ સેન્ટર’ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર તૈયાર થયું છે.
માનનીય વડાપ્રધાનશ્રીએ ‘મન કી બાત’ સહિત વિવિધ પ્રસંગોએ મધમાખી પાલનને “સ્વીટ રિવોલ્યુશન” તરીકે પ્રોત્સાહન આપી ખેડૂતોની આવક વધારવા, પ્રાકૃતિક ખેતીને વેગ આપવા તેમજ ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત-૨૦૪૭’ નો જે સંકલ્પ રજૂ કર્યો છે, તે જ રાષ્ટ્રીય વિઝનને સાકાર કરવાની દિશામાં BAPS નું આ કેન્દ્ર એક અત્યંત અર્થપૂર્ણ અને નક્કર પહેલ છે.
મધમાખી પાલન ક્ષેત્રે સંશોધન અને ઉદ્યોગ વિકાસના અગ્રણી કેન્દ્ર સમાન આ ‘પ્રહંત IBDC’માં એક જ છત નીચે વૈજ્ઞાનિક મધમાખી સંવર્ધન, આધુનિક સાધનોનું ઉત્પાદન, હાઇજેનિક હની પ્રોસેસિંગ, આંતરરાષ્ટ્રીય સ્તરની ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી, કોલ્ડ સ્ટોરેજ તેમજ ખેડૂતો માટે સીધા માર્કેટિંગ લિન્કેજ સહિતની ઉત્કૃષ્ટ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
ગુજરાતનું આ સૌપ્રથમ મધમાખી પાલન કેન્દ્ર ‘પ્રહંત IBDC’ દેશભરના લાખો ખેડૂતો, મધમાખી પાલકો, કૃષિ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા તમામ લોકો માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને કૃષિ ક્ષેત્રે નવી ઊર્જાનો સંચાર કરશે.


