તળાજામાં વૈદિક દિનચર્યા કથાથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન
જય જનની સાયન્સ સ્કૂલમાં પુનિતબાપુ હરિયાણીનું માર્ગદર્શન; ‘મોબાઇલ રૂપી રાક્ષસથી બચાવીએ’ અભિયાનની નવી ચેનલનું લોકાર્પણ
અગ્ર ગુજરાત, તળાજા
સ્થાનિક જય જનની સાયન્સ સ્કૂલ અને હોસ્ટેલ, તળાજા ખાતે વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી *’વૈદિક દિનચર્યા કથા’*નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાણીતા પ્રવચનકાર પુનિતબાપુ હરિયાણી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પુનિતબાપુ હરિયાણીએ વૈદિક જીવનશૈલી, હિન્દુ ધર્મના મૂલ્યો અને દૈનિક જીવનમાં અપનાવી શકાય તેવી વૈદિક દિનચર્યાનું સરળ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વૈદિક પરંપરાના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વને સમજાવતા જણાવ્યું કે વિદ્યાર્થી અવસ્થાથી જ સારા સંસ્કારો અને નિયમિત જીવનશૈલી અપનાવવામાં આવે તો શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક અને ચારિત્ર્ય વિકાસ પણ ઉત્તમ બને છે.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કથાનું શ્રવણ કરી માર્ગદર્શનનો લાભ લીધો હતો. શાળા સંચાલન, શિક્ષકો અને હોસ્ટેલના સ્ટાફે સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન કરી તેને સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે પુનિતબાપુ હરિયાણીના હસ્તે સમગ્ર તળાજા તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓને મોબાઇલના અતિરેક ઉપયોગથી જાગૃત કરવા માટે શરૂ કરાયેલી ‘મોબાઇલ રૂપી રાક્ષસથી બચાવીએ…!’ અભિયાનની નવી ચેનલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


