ઉપલેટા નજીક રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સ અને મંગેતર પર પૂર્વ પ્રેમી અને તેના પિતાનો હુમલો
જૂના કેસમાં સમાધાન ન કરવાના ખારથી ડુમિયાણી ટોલનાકા પાસે બુલેટ રોકી માર માર્યો; ધોરાજી સિવિલમાં સારવાર બાદ પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી અને તેના મંગેતર પર ઉપલેટા-રાજકોટ નેશનલ હાઇવે પર ડુમિયાણી ટોલનાકા નજીક પૂર્વ પ્રેમી અને તેના પિતાએ પાઇપ વડે હિચકારો હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ત્રણ વર્ષ જૂના કેસમાં સમાધાન ન કરવાના ખારથી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવતીએ ઉપલેટા પોલીસ મથકે પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મૂળ જૂનાગઢની અને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના જનાના વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નર્સ તરીકે ફરજ બજાવતી ૨૫ વર્ષીય સગુફતાબેન શેખ અગાઉ ઉપલેટાના સરફરાઝ અલ્તાફભાઈ કીબલા સાથે પ્રેમસંબંધ ધરાવતી હતી. પ્રેમસંબંધ તૂટ્યા બાદ નાણાકીય લેતીદેતી અંગે તકરાર થતાં સરફરાઝે મારપીટ કરી હતી, જે અંગે યુવતીએ ત્રણ વર્ષ પહેલાં ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ હાલ કોર્ટમાં વિચારણા હેઠળ છે.
ગત ૧૮ જુલાઈ ૨૦૨૬ના રોજ આ કેસની કોર્ટમાં મુદત હોવાથી સગુફતાબેન રાજકોટથી ઉપલેટા આવ્યા હતા, જ્યારે તેમનો મંગેતર જીશાન બદવી પણ જૂનાગઢથી બુલેટ લઈને કોર્ટ ખાતે આવ્યો હતો. બપોરના આશરે પોણા ત્રણ વાગ્યાના સુમારે બંને કોર્ટની કામગીરી પૂરી કરીને બુલેટ પર રાજકોટ પરત ફરી રહ્યા હતા.
તે દરમિયાન ડુમિયાણી ટોલનાકાથી અડધો કિલોમીટર પહેલાં રસ્તાની સાઇડમાં બેઠેલા પૂર્વ પ્રેમી સરફરાઝ કીબલાએ અચાનક રસ્તા પર આવી લોખંડનો પાઇપ આડો રાખી તેમનું બુલેટ રોકાવ્યું હતું. બુલેટ ઊભું રહેતાની સાથે જ સરફરાઝે યુવતીને લોખંડના પાઇપ વડે કમરના ભાગે ફટકો માર્યો હતો. એ જ સમયે ઝાડીમાંથી સરફરાઝના પિતા અલ્તાફ કીબલા હાથમાં પ્લાસ્ટિકનો પાઇપ લઈને ધસી આવ્યા હતા અને જીશાનની પાછળ દોડીને તેને પણ કમર તથા હાથ-પગના ભાગે સપાટા બોલાવી દીધા હતા.
હાઇવે પર વાહનચાલકો એકઠા થઈ જતાં પિતા-પુત્ર “હવે જો ઉપલેટામાં દેખાશો તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત સગુફતાબેન અને જીશાનને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડરના માર્યા બે દિવસ બાદ હિંમત ભેગી કરી યુવતીએ ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સરફરાઝ કીબલા અને અલ્તાફ કીબલા સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


