ધાતરવડી-૧ ડેમના પાણી માટે બર્બટાણા અને નાની ખેરાળીના ગ્રામજનોએ મંત્રીના દ્વાર ખખડાવ્યા
સિંચાઈનું પાણી પૂરું પાડવા જળસંપત્તિ મંત્રી સમક્ષ સઘન રજૂઆત, ખેડૂતોમાં ઉકેલની આશા
અગ્ર ગુજરાત, રાજુલા
રાજુલા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હેતલબેન એ. કામળીયા દ્વારા ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને સ્થાનિક ખેડૂતોના હિત માટે રજૂઆત કરવામાં આવી છે. જેમાં બર્બટાણા અને નાની ખેરાળી ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવાની માંગ કરવામાં આવી છે. આ પત્રમાં જણાવ્યું હતું કે, અમરેલીના રાજુલા તાલુકાના બર્બટાણા તથા નાની ખેરાળી ગામોના ખેડૂતો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. પરંતુ દર વર્ષે સિંચાઈ માટે પૂરતા પાણીના અભાવે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેના કારણે કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આર્થિક આવક પર ખૂબજ માઠી અસર થાય છે. હાલના સમયમાં વાવેરા ગામ સુધી કેનાલ ઉપલબ્ધ છે. જો આ કેનાલને આગળ લંબાવીને ધાતરવડી-૧ ડેમમાંથી બર્બટાણા તથા નાની ખેરાળી ગામો સુધી પહોંચાડવામાં આવે તો વાવેરા,બર્બટાણા અને નાની ખેરાળી ત્રણેય ગામોના ખેડૂતોને બારેમાસ ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે. આ વ્યવસ્થા થવાથી કૃષિ ઉત્પાદન વધશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તાલુકા પંચાયત કારોબારી ચેરમેન હેતલબેન કામળીયાએ જળ સંપત્તિ મંત્રીને આ બાબતે વહેલી તકે જરૂરી ટેકનિકલ સર્વે કરાવી યોગ્ય આયોજન અને વહીવટી કાર્યવાહી હાથ ધરીને યોજનાને અમલમાં મૂકવામાં આવે તેવી માંગ કરી છે.


