આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માંડવી ખાતે NSS ‘ઓરિએન્ટેશન પ્રોગ્રામ’ સંપન્ન
વિદ્યાર્થીઓમાં સામાજિક ચેતના અને રાષ્ટ્રસેવાનો સંદેશ વહેતો કરાયો
અગ્ર ગુજરાત, માંડવી
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, માંડવી ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય “ઓરિએન્ટેશન પ્રોગ્રામ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવપ્રવેશિત વિદ્યાર્થીઓ NSS ના લક્ષ્યો, પ્રવૃત્તિઓ અને સમાજસેવાની ભાવનાથી માહિતગાર થાય તેવો હતો.
કાર્યક્રમની અધ્યક્ષતા કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડૉ. વી. વી. મકવાણા સર દ્વારા કરવામાં આવી હતી. તેમણે પોતાના અધ્યક્ષીય પ્રબોધનમાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે-સાથે વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં NSS ની ભૂમિકા વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમનું સફળ સંચાલન અને માર્ગદર્શન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. ઈલાબેન પટેલ અને ડૉ. ઉદયભાઈ જે. લાખાણી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે રાષ્ટ્રીય સેવા યોજનાના સૂત્ર “Not Me, But You” (હું નહીં, પરંતુ આપ) ને સાર્થક કરતાં વર્ષ દરમિયાન યોજાનાર વિવિધ કેમ્પ, રક્તદાન શિબિર, સ્વચ્છતા અભિયાન અને ગ્રામીણ સેવાકીય પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે NSS પ્રતિનિધિ તરીકે કિશન ગોજીયા અને આયુષી ચૌધરી એ પોતાના અનુભવો શેર કર્યા હતા અને નવા વિદ્યાર્થીઓને NSS માં જોડાઈને સમાજઉપયોગી કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન સાથે થઈ હતી.


