રાજુલામાં નદીકાંઠા વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે લગાવ્યા ‘ચેતવણી બોર્ડ’
નિયમોનો ભંગ કરનાર સામે કરાશે કડક કાનૂની કાર્યવાહી; હિંડોરણા અને ખાંખબાઇ ગામના ધાતરવડી નદીકાંઠે સાઈન બોર્ડ લગાવ્યા
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના અન્વયે રાજુલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુ અને સ્થાનિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદીના ધસમસતા પ્રવાહ અને ઊંડા પાણીમાં થતી દુર્ઘટનાઓને અટકાવવા માટે રાજુલા પોલીસ દ્વારા નદીકાંઠાના જોખમી વિસ્તારોમાં વિશેષ સૂચના અને ચેતવણી દર્શાવતા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા, નદીઓ પર બિનજરૂરી અવર-જવર ન કરવા, નદીમાં ન્હાવવા ન પડવા તેમજ પાણીના પ્રવાહમાં ન ઉતરવા સહિત જાગૃતતાની બાબતો માટે કડક અપીલ કરવામાં આવી છે. આ જ જનજાગૃતિ અને સુરક્ષા અભિયાનના ભાગરૂપે રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.કોલાદરાની ટીમ દ્વારા હિંડોરણા ગામે આવેલી ધાતરવડી નદી તેમજ ખાંખબાઇ ગામના નદીકાંઠા વિસ્તારમાં સાઈન બોર્ડ લગાવી દીધા છે. પોલીસ પ્રશાસન દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે આ બોર્ડ પર લખાયેલા સુરક્ષાના નિયમોનું પાલન કરવું દરેક નાગરિક માટે ફરજિયાત છે. જો કોઈ પણ વ્યક્તિ આ સરકારી સૂચનાઓનો ભંગ કરશે અથવા પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરશે તો તેની વિરૂદ્ધ કાયદાકીય કલમો હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હિંડોરણા અને ખાંખબાઇ ગામની નદીઓમાં અનેક લોકો ડૂબી જતાં મોત નિપજયાંની ધટનાઓ બની ચૂકી છે. જેથી રાજુલા પોલીસ દ્વારા સ્થાનિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદીકાંઠે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યાં છે.


