‘મેંગોપીપલ પરીવાર’ના ‘પ્રોજેક્ટ મુસ્કાન’નો ૯મા વર્ષમાં મંગલ પ્રવેશ
પ્રોજેક્ટ મુસ્કાનના ફાઉન્ડર રૂપલબેન રાઠોડના જન્મદિને જ સેવા યજ્ઞનો ૯મા વર્ષમાં પવિત્ર પ્રારંભ
અગ્ર ગુજરાત, રાજકોટ
જેના દિલમાં કલ્યાણની ભાવના, હાથમાં કરુણાની જ્યોત અને વાણીમાં માતૃત્વનું વહાલ છે, તે જ સમાજના વંચિત વર્ગના જીવનમાં આશાનું નવું પ્રભાત ઉગાડી શકે છે. છેલ્લા ૧૩ વર્ષથી સ્લમ વિસ્તારો અને ઝૂંપડપટ્ટીના શ્રમિક બાળકોની આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નો સીંચતો ‘મેંગોપીપલ પરીવાર’ દ્વારા નારી સ્વાસ્થ્ય અને સંવેદનાને વરેલો અનોખો ‘પ્રોજેક્ટ મુસ્કાન’ આપ સૌના સ્નેહ અને આશીર્વાદથી હવે સફળતાપૂર્વક ૯મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે.
આજના દિવસની વિશેષતા એ છે કે આ પવિત્ર સેવાકાર્યના પ્રણેતા અને ‘પ્રોજેક્ટ મુસ્કાન’ના ફાઉન્ડર રૂપલબેન રાઠોડનો આજે જન્મદિવસ પણ છે, જેને લઈને આ મંગલ પ્રવેશ વધુ દિવ્ય બની રહ્યો છે.
જે વિષય પર વાત કરતા આજે પણ આપણો સમાજ અચકાય છે, તેવા માસિક ધર્મ અને શારીરિક સ્વચ્છતા જેવા સંવેદનશીલ વિષય પર રૂપલબેન રાઠોડ સ્લમ વિસ્તારની નિર્દોષ દીકરીઓને એક વહાલસોયી મા બનીને વાત્સલ્યસભર સાચી સમજણ આપી રહ્યા છે. ગંદા કપડાના ઉપયોગથી થતા ગંભીર રોગો સામે જાગૃતિ લાવી, જ્યારે દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ્સ આપીને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવે છે, ત્યારે તે અબુધ દીકરીઓની આંખોમાં ચમકેલી આશા અને ચહેરા પર ખીલેલું પવિત્ર સ્મિત જ આ સતકર્મની ખરી મૂડી છે.
માનવતાનો દીવો પ્રજ્વલિત રાખતો મેંગોપીપલ પરીવાર છેલ્લા ૧૩ વર્ષથી ઝૂંપડપટ્ટીના શ્રમિક બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યો છે. સાથોસાથ છેલ્લા ૯ વર્ષથી ‘પ્રોજેક્ટ મુસ્કાન’ દ્વારા રાજકોટ, જામનગર, વાંકાનેર અને હવે મોરબીની હજારો વંચિત બહેનો-દીકરીઓને દર મહિને શારીરિક સ્વાસ્થ્યની સુરક્ષા અને નિઃશુલ્ક સેનેટરી પેડ્સ પૂરા પાડીને નારી ગૌરવનું રક્ષણ કરી રહ્યો છે.


