વિરપુરમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે ‘સ્વ. વેલજીભાઈ સરવૈયા પ્રવેશદ્વાર’નું ખાતમુહૂર્ત
સમાજ જીવનના પ્રહરીની સ્મૃતિ કાયમ રહેશે
અગ્ર ગુજરાત, વિરપુર
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને સંત શિરોમણી જલારામ બાપાની પવિત્ર ભૂમિ વિરપુર ખાતે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના અગ્રણી તેમજ સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ અને લોકપ્રિય નેતા સ્વ. વેલજીભાઈ સરવૈયાની સ્મૃતિમાં એક ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વારનું નિર્માણ થવા જઈ રહ્યું છે. વીરપુરના જેતપુર રોડ પર આવેલી તોરણ હોટલ સામે આકાર લેનાર આ “સ્વ. વેલજીભાઈ સરવૈયા પ્રવેશદ્વાર”નું આજે ગુરુવારના પવિત્ર દિવસે જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખાતમુહૂર્ત (ભૂમિપૂજન) કરવામાં આવ્યું હતું.
આ પાવન પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, ક્ષત્રિય ખનાટ રાજપૂત સમાજના અગ્રણીઓ,સરવૈયા પરિવારના સભ્યો તેમજ સર્વે સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. વેલજીભાઈ સરવૈયાને અણધારી રીતે વિદાય લીધે આજે સાડા ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં વીરપુર અને આસપાસના સમગ્ર પંથકમાં તેમણે કરેલા લોકસેવાના નિસ્વાર્થ કાર્યોની સુવાસ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિઓની ધારાને અવિરત ચાલુ રાખવા અને તેમની સ્મૃતિને કાયમી બનાવવા માટે સરવૈયા પરિવાર દ્વારા ‘સ્વ. વેલજીભાઇ સરવૈયા મેમોરીયલ ટ્રસ્ટ’ની વિશેષ સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટના માધ્યમથી સામાજિક અને અન્ય વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચલાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે જ આ પ્રવેશ દ્વારના નિર્માણને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી અને હવે તેનું કામ શરૂ કરી દેવાયું છે.


