ખેડૂત પરિવાર ઊંઘતો રહ્યો, તસ્કર 22 મિનિટમાં 16.88 લાખનો માલ સમેટી ફરાર
રાજકોટના બાલાજી પાર્કમાં મોડી રાત્રે ફિલ્મી ઢબે ચોરી; 140 ગ્રામ સોનાના દાગીના અને રોકડની ઉઠાંતરી, CCTVમાં કેદ થયેલા શખસની શોધમાં પોલીસની ચાર ટીમો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટનાએ લોકોમાં અસુરક્ષાની લાગણી વધારી છે. શહેરના 80 ફૂટ મેઈન રોડ પર સર્વોદય સ્કૂલ સામે આવેલા બાલાજી પાર્ક વિસ્તારમાં અજાણ્યા તસ્કરે એક ખેડૂત પરિવારના મકાનને નિશાન બનાવી માત્ર 22 મિનિટમાં રૂ.16.88 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ છે. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થતાં આરોપીને ઝડપી લેવા પોલીસની ચાર ટીમો કામે લાગી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બાલાજી પાર્કના મકાન નંબર-6માં રહેતા રમેશભાઈ ગાંડુભાઈ સખીયા પરિવાર સાથે રહે છે. શુક્રવારે રાત્રે પરિવારના તમામ સભ્યો ભોજન બાદ પોતાના રૂમમાં આરામ કરવા ગયા હતા. રમેશભાઈ અને તેમની પત્ની ભાનુબેન નીચેના ડ્રોઈંગ રૂમમાં સૂતા હતા, જ્યારે તેમના બંને પુત્રો ઉપરના માળે આવેલા રૂમમાં આરામ કરી રહ્યા હતા.
શનિવારે વહેલી સવારે ભાનુબેન મોટા પુત્ર ધર્મેશને બહારગામ જવા માટે જગાડવા ઉપર ગયા ત્યારે બેડરૂમનું દૃશ્ય જોઈ તેઓ ચોંકી ઉઠ્યા. રૂમમાં રહેલા ત્રણેય લાકડાના કબાટ ખુલ્લા હતા અને એક કબાટના લોકરમાં રહેલી ચાવી પણ અંદર જ લાગેલી હતી. તપાસ કરતાં લોકરમાં રાખેલા તમામ દાગીના અને રોકડ રકમ ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તસ્કરે કબાટમાંથી અંદાજે 140 ગ્રામ વજનના સોનાના દાગીના ચોરી લીધા હતા. તેમાં સોનાનો હાર, મંગળસૂત્ર, બંગડીઓ, ચેન, વીંટીઓ અને અન્ય કિંમતી આભૂષણોનો સમાવેશ થાય છે. ઉપરાંત ઘરમાં રાખેલી રોકડ રકમ પણ તસ્કર ઉઠાવી ગયો હતો. કુલ મળીને રૂ.16.88 લાખની મત્તા ચોરી થઈ હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. તપાસ દરમિયાન નજીકના સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ રાત્રે લગભગ 2:40 વાગ્યે વિસ્તારમાં પ્રવેશતો અને 3:02 વાગ્યે ત્યાંથી નીકળતો દેખાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ શખસ બાજુમાં આવેલા બંધ મકાનમાંથી પસાર થઈ ફરિયાદીના ટેનામેન્ટમાં ઘૂસ્યો હતો અને માત્ર 22 મિનિટમાં આખી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.
ચોરીની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાલુકા પોલીસ ઉપરાંત ડીસીબી અને પીસીબીની ટીમોને પણ તપાસમાં જોડવામાં આવી છે. આરોપી સુધી ઝડપથી પહોંચવા માટે કુલ ચાર અલગ-અલગ પોલીસ ટીમો વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. ઘટનાસ્થળેથી વૈજ્ઞાનિક પુરાવા મેળવવા એફએસએલની ટીમ તથા ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી છે. ફિંગરપ્રિન્ટ સહિતના પુરાવાના આધારે આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી રમેશભાઈ સખીયા મૂળ લોધિકા તાલુકાના ખાંભા ગામના રહેવાસી છે અને ખેતીનો વ્યવસાય કરે છે. તેઓ લગભગ એક વર્ષ પહેલાં જ બાલાજી પાર્કમાં આ મકાન ખરીદી પરિવાર સાથે રહેવા આવ્યા હતા. નવી વસાહતમાં થયેલી આ મોટી ચોરીથી સ્થાનિક રહેવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએસઆઈ એમ.આઈ. શેખે જણાવ્યું હતું કે સીસીટીવીમાં કેદ થયેલા શખસના આધારે તપાસ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે. ટેક્નિકલ સર્વેલન્સ, ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીને ઝડપવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં તસ્કરને ઝડપી લઈ ચોરાયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવશે.


