જેતપુર-દેરડી ઓવરબ્રિજ PGVCLની બેદરકારીના લીધે અટવાયો : જનતામાં ભારે રોષ
બ્રિજનું કામ પૂર્ણ છતાં વીજ થાંભલા-તાર ન હટાવાતા લોકાર્પણ અટક્યું; દેરડી અને ખોડલધામ જતા વાહનચાલકો ચોમાસામાં હેરાન-પરેશાન, ઉગ્ર આંદોલનની ચીમકી
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર શહેરને દેરડી સાથે જોડતો અને ભદ્રાવતી નદી પર લાખોના ખર્ચે નિર્માણ પામેલો નવો ઓવરબ્રિજ સંપૂર્ણ તૈયાર હોવા છતાં છેલ્લા એક મહિનાથી લોકાર્પણ વગર અટકી પડ્યો છે. સરકારી તંત્ર અને વીજ કંપનીની નબળી નીતિ તેમજ આંતરિક સમન્વયના અભાવે ચોમાસાની આ ઋતુમાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
જેતપુરથી દેરડીને જોડતા આ ઓવરબ્રિજનું મુખ્ય નિર્માણ કાર્ય કલર-કામ સાથે માત્ર ૭ મહિનાના ટૂંક સમયમાં પૂરું કરી દેવામાં આવ્યું છે. પરંતુ બ્રિજની બંને બાજુના એપ્રોચ રોડ (ઢાળિયા) નું કામ વીજ કંપનીના નડતરરૂપ થાંભલા અને તારના કારણે અટકી ગયું છે.
કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ, આ થાંભલા ખસેડવા માટે ૭ મહિના અગાઉ જ PGVCLને લેખિત અરજી આપી સરકાર તરફથી જરૂરી પેમેન્ટ પણ ચૂકવી દેવાયું છે. છતાં વીજ કંપનીએ માત્ર નવા થાંભલા ઊભા કરીને સંતોષ માની લીધો છે અને જૂના થાંભલા-તાર હટાવવાની કોઈ તસ્દી લીધી નથી. જો વીજ કંપની માત્ર એક દિવસમાં આ થાંભલા હટાવી લે, તો બાકીનું કામ બે જ દિવસમાં પૂરું થઈને બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકી શકાય તેમ છે.
સ્થાનિક સંજય ટોડીયા અને સામાજિક કાર્યકર્તા હારુનભાઈ રફાઈએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બ્રિજ બન્યાને મહિનો થયો છતાં તંત્ર અને વીજ કંપનીની ઢીલી નીતિથી કામ અટકેલું છે. પાંચ દિવસમાં તાર ખસેડવાના વાયદા માત્ર કાગળ પર જ રહ્યા છે.
ચોમાસાની ઋતુમાં નદી-નાળા વહેતા હોવાથી બ્રિજ શરૂ ન થતાં વાહનચાલકોને લાંબા ફેરા મારવા પડે છે. દેરડી, મોણપર, કાગવડ અને ખોડલધામ તરફ જતા શ્રદ્ધાળુઓ તેમજ વિદ્યાર્થીઓને દૈનિક ધોરણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક લોકો અને આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને તમાશો જોઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં પીજીવીસીએલ દ્વારા સત્વરે વીજ લાઈન ખસેડીને રસ્તો ક્લિયર કરવામાં નહીં આવે, તો વીજ કંપનીની કચેરી સામે ઉગ્ર ઘેરાવ અને આંદોલન કરવામાં આવશે.


