દીવના સાઉદવાડીમાં સર્પદંશથી યુવાનનું કરૂણ મોત
વણાંકબારા હોસ્પિટલ બંધ રહેતા મોડી સારવાર મળતી હોવાના ગ્રામજનોના આક્ષેપ
અગ્ર ગુજરાત, દીવ
દીવના સાઉદવાડી વિસ્તારમાં આવેલા ચાંદવાડી ગામે સાંજના સમયે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે, જેમાં અચાનક સાપ કરડવાથી ૪૦ વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન અકાળે અવસાન થયું છે. આ બનાવને પગલે મૃતકના પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, ચાંદવાડી ગામે રહેતા હરિલાલ રાજા સોલંકી (ઉં.વ. ૪૦) સાંજના સમયે પોતાના ઘરની બહાર ઊભા હતા. આ દરમિયાન અચાનક એક ઝેરી સાપે આવીને તેમના પગના પંજાના ભાગે ડંખ માર્યો હતો. સર્પદંશ થતાં જ હરિલાલભાઈએ બૂમાબૂમ કરી આસપાસના લોકોને જાણ કરી હતી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું. પરિવારજનો અને સરપંચ મેઘજીભાઈ તેમને તાબડતોબ દીવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ કમનસીબે ટૂંકી સારવાર દરમિયાન જ હરિલાલભાઈનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ ચાંદવાડી ગામે ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને સાપની શોધખોળ આદરી હતી. બાદમાં સાપ મળી આવતા તેને સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.
હરિલાલભાઈ વ્યવસાયે માછીમારી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અચાનક અવસાનથી તેમણે પોતાના પાછળ ત્રણ નાના માસૂમ બાળકો અને પત્નીને વિલાપ કરતા છોડી ગયા છે. આ કરૂણ ઘટનાથી સમગ્ર પરિવાર ભાંગી પડ્યો છે અને હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.
આ દુઃખદ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં વિસ્તારની આરોગ્ય સેવાઓ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પહેલાં વણાંકબારા ખાતે હોસ્પિટલ કાર્યરત હતી, જેને બંધ કરીને બુચરવાડા ખસેડવામાં આવી છે. આ હોસ્પિટલમાં સાંજના સમયે કોઈ ડોક્ટર ઉપલબ્ધ હોતા નથી, જેના કારણે ઇમરજન્સીના સમયે લોકોને ફરજિયાત મોડે સુધી દીવ હોસ્પિટલ પહોંચવું પડે છે. ગઈકાલે પણ વાણીયાવાડી (સાઉદવાડી)ના નિવાસી કરશન ભગવાન ચાવડા ફિશિંગ બોટમાં અચાનક પડી જતાં તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનું પણ મોત થયું હતું. અંતર અને મોડી સારવારના કારણે વારંવાર આવી જાનહાની થતી હોવાથી દીવ પ્રશાસન આ બાબતે તાત્કાલિક યોગ્ય વિચારીને આરોગ્ય સેવાઓ સુધારે તેવી લોકમાંગ ઉઠી છે.


