- એઆઈ સેફ્ટી સમિટમાં કેન્દ્રીય મંત્રીની એલન મસ્ક સાથે મુલાકાત
- સમિટમાં આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત પર કરાઈ ચર્ચા
- આગામી વર્ષે ટેસ્લાનાં સીઈઓ લઈ શકે છે ભારતની મુલાકાત
કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે યુનાઈટેડ કિંગડમમાં આયોજિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટમાં હાજરી આપી હતી. આ સમિટમાં કેન્દ્રીય પ્રધાને ટેસ્લા કંપનીનાં માલિક એલોન મસ્ક સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન એલોન મસ્કે કરેલી એક રસપ્રદ વાતે રાજીવ ચંદ્રશેખરને ટ્વીટ કરવા પ્રેરિત કર્યા હતાં.
મસ્કનાં પુત્રનું મિડલ નેમ
એઆઈ સમિટમાં બંને વચ્ચેની મુલાકાત દરમિયાન મસ્કે જણાવ્યું હતું કે તેમના પુત્ર શિવોન ઝિલિસનું મિડલ નેમ “ચંદ્રશેખર” છે. એલોન મસ્કે સ્પષ્ટ કર્યું હતું કે તે નોબેલ ભૌતિકશાસ્ત્રી પ્રો. એસ ચંદ્રશેખરના નામથી પ્રેરિત છે.
કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરની ટ્વીટર પોસ્ટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે “જુઓ, હું યુકેના બ્લેચલી પાર્ક ખાતે એઆઈ સેફ્ટી સમિટમાં કોની સાથે ટકરાયો. એલન મસ્કે એ શેર કર્યું હતું કે તેમના પુત્રનું મિડલ નેમ “ચંદ્રશેખર” છે – જેનું નામ 1983ના નોબેલ ભૌતિકશાસ્ત્રી પ્રોફેસર એસ. ચંદ્રશેખરથી પ્રેરિત થઈ રાખવામાં આવ્યું છે.”
એઆઈ પર આંતરરાષ્ટ્રીય સમિટ
યુકેમાં ચાલી રહેલી આ સમિટમાં કૃત્રિમ બુદ્ધિમત્તામાં કામ કરતી અનેક સરકારો, શિક્ષણવિદો અને કંપનીઓના પ્રતિનિધિઓએ AI તકોના સ્કેલ, મહત્વ અને તાકીદ પર સર્વસંમતિ દર્શાવતા પહેલા જોખમો, તકો અને “આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત” પર ચર્ચા કરી હતી.
એલોન મસ્કે ભારતમાં રોકાણ કરવાની ઈચ્છા દર્શાવી
સમિટના પ્રથમ દિવસે કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે AI સમિટમાં ભાગ લીધો હતો અને AI પર ભારતના વિચારો વ્યક્ત કર્યા હતા. સમિટના બીજા દિવસે ચંદ્રશેખર AI માટે સહયોગી માળખાની સ્થાપના અંગેની ચર્ચામાં યોગદાન આપશે. તેઓ ખોટી માહિતી અને ચૂંટણી સુરક્ષા જેવા ક્ષેત્રોમાં AI જોખમો અંગે ભારતના પરિપ્રેક્ષ્ય પર પ્રકાશ પાડશે. આ ઉપરાંત જૂનમાં પીએમ મોદીને મળ્યા બાદ એલોન મસ્કે ભારતમાં રોકાણ કરવાની ઈચ્છા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે” તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે” અને ઉમેર્યું હતું કે ”તેમને વિશ્વાસ છે કે ઇલેક્ટ્રિક કાર નિર્માતા ભારતમાં હશે અને તે માનવરૂપે શક્ય તેટલી વહેલી તકે કરશે.”


