જેતપુરની નવાગઢ ચોકડી પાસે પાણીના ટેન્કરે એક્ટિવા ચાલક યુવકનો ભોગ લીધો
ગમખ્વાર અકસ્માતમાં કંધોતર ગુમાવતા પરિવારમાં શોક
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરના નવાગઢ ચોકડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પાણીના ટેન્કર નીચે એક્ટિવા ચાલક યુવક કચડાતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે અને પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુરના નવાગઢ પટેલ ચોક માં રહેતા હીરેનભાઈ વિઠ્ઠલભાઈ ભાયાણી છે. તેઓ પોતાના એક્ટિવા વાહન પર બાટલો લઈને ઘરે પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન નવાગઢ ચોકડી પાસે ઊભા હતા. તે વેળાએ પૂરઝડપે આવી રહેલા એક પાણીના ટેન્કરે તેમને પોતાની અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક ટેન્કર નીચે આવી ગયો અને ટેન્કરના વ્હીલ તેના શરીર પર ફરી વળ્યાં હતાં, જેના કારણે તેનું ગંભીર ઈજાઓને લીધે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
અકસ્માત સર્જાયા બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિકજામ જેવું વાતાવરણ સર્જાયું હતું.
ઘટનાની જાણ થતાં જ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈને ટ્રાફિક હળવો કર્યો હતો અને મૃતકના મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ દુર્ઘટના અંગે વધુ વિગતો પ્રાપ્ત થતા જાણવા મળ્યું છે કે મૃતક હીરેનભાઈ પરિણીત હતા અને તેમને ચાર વર્ષનો એક માસૂમ પુત્ર પણ છે. પિતાના અચાનક અને આકસ્મિક અવસાનથી માસૂમ પુત્રના માથેથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે. યુવાન દીકરાના અચાનક મોતના સમાચાર સાંભળીને પરિવારજમાં ભારે શોક ફેલાયો હતો.


