વામન દેહધારી વિરાટ વ્યક્તિત્વઃ મુળવંતભાઈ જી. દોમડીયા
પગમાં સ્લીપર, ખાદીનું ઈસ્ત્રી વગરનુ લેંધા જેવું પાટલુન તથા ટૂંકી બાંયનો ખાદીનો સફેદ બુસકોટ પહેરેલ એક વ્યક્તિ સુધરાઈ ( રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન )ની મેયર સાહેબની ચેમ્બરમાં દાખલ થાયછે અને પટાવાળાથી માંડીને મેયર, રૂપાણી સુધીના માણસો આદર સાથે ઊભા થઈને કરબધ્ધ મુદ્રામાં તેમનો સ્વાગત સત્કાર કરે છે.
સૌરાષ્ટ્રના ટોપ સિવીલ સ્ટ્રક્ચર એન્જિનિયર તરીકે જૈમની ગણના થતી હોવા છતા અભિમાનનો કોઈ ભાર નહી. નાના મોટા સૌમાં સમતાનો ભાવ. અજાણ્યો માણસ કદાચ અપમાન કરીલે તો પણ સદભાવ રાખી તેનુ સન્માન કરે. બધાને ઉપયોગી થવાનો નિ:સ્વાર્થ ભાવ રાખે. નાના માણસના દુખે દુખી થવાનો સ્વભાવ. ફક્ત દુખી જ ન થાય,તેને મદદ ન કરે ત્યા સુધી તેને શાંતિ પણ ન થાય. અંગત અને પોતાની ઓફીસના માણસોમાં તેઓ ‘મુળુભાઈ’ તરીકે ઓળખાય અને સરકારી ઓફીસમાં તથા બિલ્ડર્સ-આર્કિટેકટસ લોબીમાં ‘દોમડીયા સાહેબ’ તરીકે ઓળખાય.
નાના બાળકો તરફ તો એટલું વાત્સલ્ય કે તેમને મદદ કરવા માટે , “વિદ્યાદાન મહાદાન”ની નેમ સાથે એક સંસ્થા બનાવી જેનુ નામ રાખ્યું, “વાત્સલ્ય જ્ઞાનવર્ધક સંઘ.” આ સંસ્થાના માધ્યમથી અનેક જરૂરતમંદ બાળકોને ધર્મ સાથે ધનની મદદ કરી છે. શિક્ષિત પણ કર્યા અને દીક્ષિત પણ કર્યા.આર્થીક રીતે ઉન્નત કર્યા અને આધ્યાત્મિક રીતે પણ. સાથે સાથે નશાની લતમાથી પણ છોડાવ્યા અને જૈનશાળા હારે જોડાવ્યા.અનેક નવી જૈન શાળાઓ શરૂ કરી,નાના મોટા સૌને ધર્મ સાથે જોડ્યા. પ્રતિક્રમણ કરતા અને કરાવતા કર્યા.
પર્યુષણ પર્વ પર તો એક અનોખી મુહીમ ચલાવતા. જે જે શ્રાવકોને પ્રતિક્રમણના પાઠ કંઠસ્થ થઈ ગયા હોય તેવા શ્રાવક શ્રાવીકાઓનું અલગ મંડળ,”પ્રતિક્રમણ યોજના મંડળ” ની રચના કરી અને તે બધાને પર્યુષણ પર્વમાં અલગ અલગ સ્થળોએ ઉપાશ્રયોમાં તેમજ કોઈના ખાસ આમંત્રણને ધ્યાને લઈને તેઓના ધરે પણ આયોજનબધ્ધ વ્યવસ્થા કરી પ્રતિક્રમણ બોલાવવા મોકલતા.આ વ્યવસ્થાની પ્રેસ નોટ પણ દૈનિક પત્રોમાં પ્રસિદ્ધ થાય, જેથી સામાન્ય માણસ પણ નજીકની જગ્યાનો લાભ લઈ શકે. ષર્થુષણ પર્વના અંતે મંડળના સભ્યોને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન થાય.આ પરંપરા મુળુભાઈના સ્વર્ગવાસ પછી આજ પર્યંત ચાલુ છે.
મુળુભાઈએ પરિવારની સાચા શ્રાવક બનીને સાચા અર્થમાં સેવા કરી છે. તેમનો પણ આદર અને પ્રેમ મેળવ્યો. સંસારમાં રહેવા છતા,આજીવન બ્રહ્મચારી રહીને, પરિવારને પુષ્ઠ કર્યો. પરિવારના વહેવાર સાચવ્યા. પૂજ્ય ‘બા’ અને નાના બહેનો તથા ભાઈઓની સેવા કરીને સાધુથી પણ ચડીયાતુ જીવન જીવી બતાવ્યુ.


