ચાંદીપુરા વાયરસથી વધુ બે બાળકોના મોત
બહુચરાજીના દેલવાડા (ખાંટા) ગામની ચાર વર્ષિય બાળકીનું વડનગરની સિવિલમાં અને માણસાના ચરાડા ગામના પ વર્ષના બાળકે સારવારમાં દમ તોડયો : મહેસાણા-ગાંધીનગર જિલ્લામાં ફફડાટ
અગ્ર ગુજરાત, મહેસાણા
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા બે દિવસમાં બે બાળકોના મોત નિપજયા છે. બહુચરાજીના દેલવાડા (ખાંટ) ગામની ચાર વર્ષિય બાળકીનું અને માણસાના ચરાડા ગામના ચાર વર્ષના બાળકનું સારવારમાં મોત થયું હતું. મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ દેલવાડા (ખાંટ) ગામની દ્વારિકા જીગરગીરી ગોસાઈ નામની બાળકીને રવિવારે(26 જુલાઈ)અચાનક તીવ્ર તાવ અને ઉલટીની ફરિયાદ શરૂ થતાં પરિવારે તેને તાત્કાલિક મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. બાળકીના લક્ષણો શંકાસ્પદ જણાતાં આરોગ્ય વિભાગે તેના બ્લડ સેમ્પલ ચકાસણી અર્થે ગાંધીનગર લેબમાં મોકલ્યા હતા. સોમવારે આવેલા લેબોરેટરી રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં જ બાળકીને વધુ સઘન સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તબીબોના તમામ પ્રયાસો છતાં મોડી રાત્રે સારવાર દરમિયાન બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.
આ ઘટના બાદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કૌશિક ગજ્જરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો ત્વરિત એક્શન મોડમાં આવી ગઈ હતી. તંત્ર દ્વારા બાળકીના ઘર સહિત સમગ્ર દેલવાડા ગામના 250થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાયરસના ફેલાવાને અટકાવવા માટે ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ, દીવાલો પર ઇન્સેક્ટિસાઈડ સોઇંગ અને સ્પ્રેઇંગ સહિતની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે.
બીજી તરફ ગામના સરપંચ ગોવિંદસિંહ સોલંકીએ તમામ ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે જો કોઈ પણ બાળકમાં અચાનક તાવ, ઉલટી, ચક્કર આવવા કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો સહેજ પણ બેદરકારી રાખ્યા વગર તુરંત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જેથી સમયસર તબીબી સારવાર પૂરી પાડી શકાય.
ઉપરાંત ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામના 4 વર્ષીય બાળકને અચાનક સખત તાવ આવવાની સાથે ઊલટી થવાની શારીરિક તકલીફો શરૂ થઈ હતી. બાળકની સ્થિતિ લથડતાં જ પરિવારે તેને તાત્કાલિક માણસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સારવાર દરમિયાન બાળકને ખેંચ આવવાની ગંભીર સમસ્યા ઊભી થતાં તેની પરિસ્થિતિ વધુ નાજુક બની હતી, જેથી તબીબોએ તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવાની ફરજ પડી હતી. બીમારીના ચોક્કસ નિદાન માટે લેવાયેલા સેમ્પલના લેબોરેટરી રિપોર્ટમાં બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું ખુલ્લું પડ્યું હતું. હોસ્પિટલના તબીબોની ટીમે બાળકને બચાવવાના તમામ ભગીરથ પ્રયાસો કર્યા હોવા છતાં ગઈકાલે મોડી સાંજે સારવાર દરમિયાન આ માસૂમનું મોત નીપજ્યું હતું. ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી મોતનો આ બીજો કિસ્સો સામે આવ્યો છે.


