રાજકોટમાં CGHSને મંજૂરી, પેન્શનરોને અમદાવાદ સુધીના ધક્કામાંથી મુકિત
વોકહાર્ટ હોસ્પિટલમાં કેશલેસ સારવારને લીલીઝંડી
રાજકોટમાં CGHS વેલનેસ સેન્ટર શરૂ કરવા જિલ્લા કલેક્ટરે કેન્દ્રમાં લખ્યો’તો પત્ર
અગ્ર ગુજરાત, રાજકોટ
સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ (CGHS)ના આઈ.પી.ડી. કાર્ડ ધરાવતા કેન્દ્રીય પેન્શનરો માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલને કેશલેસ સારવાર માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં રાજકોટ આ પ્રકારની સુવિધા મેળવનારું પ્રથમ સ્થળ બન્યું છે, જેનાથી હવે સૌરાષ્ટ્રના કેન્દ્રીય પેન્શનરોએ સી.જી.એચ.એસ. હેઠળ સારવાર મેળવવા માટે અમદાવાદ સુધી ધક્કા ખાવા નહીં પડે. આ તકે રાજકોટ-સૌરાષ્ટ્રના કેન્દ્રીય પેન્શનરોએ આ મંજૂરી માટે વિશેષ જહેમત ઉઠાવવા બદલ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટ સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એસોસિએશન દ્વારા રાજકોટમાં સી.જી.એચ.એસ. વેલનેસ સેન્ટર અને સારવારની સુવિધા શરૂ કરવા માટે દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રીને રજૂઆતો કરવામાં આવી હતી. દરમિયાન એસોસિએશન તરફથી મળેલી રજૂઆતને પગલે, રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા પણ પત્ર લખીને વહેલીતકે વેલનેસ સેન્ટર શરૂ કરવા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં કેન્દ્રીય પેન્શરો રહે છે. જેઓને સારવાર માટે ૨૫૦ કિ.મી. કરતા દૂર અમદાવાદ સુધી જવું પડે છે. જેનાકારણે સિનિયર સિટીઝન્સ પેન્શનરોને તકલીફ પડતી હોવાથી રાજકોટમાં જ સી.જી.એચ.એસ. વેલનેસ સેન્ટર શરૂ કરવું જોઈએ.
જેને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટની એમ.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલને સી.જી.એચ.એસ. વેલનેસ સેન્ટર તરીકે એમ્પેનલ કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજકોટ ઉપરાંત નજીકના જિલ્લાઓ જેવા કે જામનગર, જૂનાગઢ અને પોરબંદરના કેન્દ્રીય પેન્શનરોને પણ કેશલેસ સારવારનો સીધો લાભ મળશે.
આ અંગે એસોસિએશનના પ્રમુખ કિશોરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે કેન્દ્રીય પેન્શનરોને સી.જી.એચ.એસ. હેઠળ કેશલેસ સારવાર મળી રહે તે માટે ટૂંક સમયમાં જ અન્ય વધારાની હોસ્પિટલોને પણ મંજૂરી આપવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.
પેન્શરોની રજૂઆત અંગે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે સંવેદના દાખવીને કેન્દ્રમાં રજૂઆત કરીને ખાસ જહેમત ઉઠાવી હતી. આથી રાજકોટ સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એસોસિએશનના સભ્યોએ જિલ્લા કલેક્ટરની મુલાકાત લઈને વિશેષ આભારની લાગણી વ્યક્ત કરી હતી.


