ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય
ગુરૂ અને શિષ્યના પવિત્ર સંબંધને જોડતો ગુરૂપૂર્ણિમાનો આજે દિવસ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના મંદિરો અને ગુરૂગાદી ધરાવતા દેવસ્થાનોમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના વિવિધ મંદિરો, આશ્રમોમાં સવારથી જ ગુરૂના આર્શિવાદ લેવા ભકતો ઉમટી પડયા હતાં. ભાવિકોએ ગુરૂવંદના, ગુરૂપૂજન અને પાદુકા પૂજન કર્યુ હતું. શાળામાં પણ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના શિક્ષકોનું પૂજન કરી આર્શિવચન મેળવ્યા હતાં.
સૌરાષ્ટ્રમાં આવેલા પ્રસિધ્ધ યાત્રાધામો, વિરપુર, ચોટીલા, માટેલ, સોમનાથ, તુલસી શ્યામ, દ્વારકા, માતાના મઢ, પરબ ધામ, તોરણીયા, વનાળા આશ્રમ, ઇન્દ્રભારતી બાપુના આશ્રમ સહિતના સ્થળોએ લોકો ઉમટી પડયા હતાં. આશ્રમો, દેવસ્થાનોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ ગુરૂવાણી, ભજનના કાર્યક્રમો પણ આશ્રમોમાં આયોજીત કરવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરાનુ સ્થાન અદ્વિતીય છે. ગુરુ માત્ર શાસ્ત્રોનું જ્ઞાન જ નથી આપતા, પરંતુ શિષ્યના જીવનને યોગ્ય દિશા આપીને તેને સમાજ માટે ઉપયોગી નાગરિક બનાવે છે. ગુરુ પૂર્ણિમાનો આ દિવસ આપણને આપણા સંસ્કારો, નૈતિક મૂલ્યો અને સંસ્કૃતિ સાથે જોડી રાખવાનું કાર્ય કરે છે.


