ભાવનગર રોડની આંગડીયા પેઢીમાં ફિલ્મી સ્ટાઇલે રૂ. 19 લાખની લૂંટ
બંદૂક જેવું ઘાતક હથિયાર બતાવી બે બુકાનીધારી શખ્સો રોકડ ભરેલો થેલો લૂંટી ફરાર, શહેર પોલીસમાં દોડધામ; ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ગુરુવારે બપોરે ભાવનગર રોડ પર પટેલવાડી નજીક આવેલી એક આંગડીયા પેઢીમાં થયેલી ફિલ્મી ઢબની લૂંટની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. બે બુકાનીધારી શખ્સોએ પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીમાં ઘૂસી બંદૂક જેવું ઘાતક હથિયાર બતાવી કર્મચારીઓને ભયભીત કર્યા બાદ રોકડા રૂ. 19 લાખ ભરેલો થેલો લૂંટી પળવારમાં ફરાર થઈ જતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર રોડ પર પટેલવાડી નજીક બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ પાસે આવેલી પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની જૂની આંગડીયા પેઢીમાં બપોરના સમયે બે અજાણ્યા શખ્સો બુકાની બાંધીને ઘૂસ્યા હતા. બંને શખ્સોએ કર્મચારીઓને બંદૂક જેવું ઘાતક હથિયાર બતાવી કોઈપણ પ્રકારનો વિરોધ ન કરવાની ધમકી આપી હતી. ઘટનાથી ગભરાયેલા કર્મચારીઓ કંઈ સમજી શકે તે પહેલાં જ લૂંટારૂઓ રોકડા રૂ. 19 લાખ ભરેલો થેલો કબજે કરી પળવારમાં સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. લૂંટની ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક બી-ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જી.આર. ચૌહાણ અને ડી. સ્ટાફની ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, એલસીબી ઝોન-1ની ટીમ તેમજ ડીસીબીના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આંગડીયા પેઢી તેમજ આસપાસના વેપારી એકમોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરીને લૂંટારૂઓની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ પ્રાથમિક માહિતી આપતાં જણાવ્યું હતું કે, બે બુકાનીધારી શખ્સોએ રોકડા રૂ. 19 લાખનો થેલો લૂંટી ફરાર થયા હોવાની વિગતો સામે આવી છે. આરોપીઓ કયા વાહનમાં આવ્યા હતા અને કઈ દિશામાં ભાગ્યા હતા તે સહિતના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરીને શંકાસ્પદ વાહનોની તપાસ શરૂ કરવામાં આવી છે.
શહેરના મધ્ય વિસ્તારમાં દિવસદાઢે બનેલી આ લૂંટની ઘટનાએ વેપારી વર્ગમાં પણ ચિંતા ફેલાવી છે. ખાસ કરીને રોકડની હેરફેર કરતી આંગડીયા પેઢીઓ અને વેપારીઓમાં સુરક્ષાને લઈને ચર્ચા શરૂ થઈ છે. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં લૂંટારૂઓની ઓળખ મેળવી તેમને ઝડપી લેવામાં સફળતા મળશે.


