રાજુલાના કોટડી ગામે સસલાનો શિકાર કરવાનો પ્રયાસ નિષ્ફળ
બે શખ્સો ઝડપાયા, વન વિભાગે રૂ. ૫૦ હજારનો દંડ ફટકાર્યો
અગ્ર ગુજરાત, રાજુલા
રાજુલા વન્ય જીવ રેન્જ હેઠળના કોટડી ગામે વન્ય પ્રાણી સસલાનો શિકાર કરવાનો પ્રયાસ કરતા બે શખ્સોને વન વિભાગની ટીમે રંગેહાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીઓ પાસેથી રૂ. ૫૦,૦૦૦ ના દંડની વસૂલાત કરી છે. મળતી માહિતી મુજબ, રાજુલા આર.એફ.ઓ. ડી.કે. મકવાણાના માર્ગદર્શન હેઠળ વન્યજીવ રેન્જ રાજુલા રાઉન્ડના કોટડી ગામના કાળુકી વિસ્તારમાં વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બે ઇસમોને વન્યપ્રાણી સસલાને મૃત્યુ પમાડવાના ઇરાદાથી ૨ નંગ મેવટા (જાળ) બાંધીને સસલાને તગડાવી-દોડાવી રહ્યાં હતા. શિકારનો આ ગુનો આચરતા વન વિભાગની ટીમે બંનેને ઝડપી પાડયા હતા. બન્ને ઇસમો સામે વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ (૧) ભીખા રૂખડભાઇ પરમાર અને (૨) રમેશ બાબુભાઈ પરમાર બંને રહે.જીવાપર,તા.ખાંભા, જી. અમરેલીનો સમાવેશ થાય છે. વન વિભાગ દ્વારા એડવાન્સ રિકવરી પેટે કુલ રૂ. ૫૦,૦૦૦ નો દંડ વસૂલાત કરવામાં આવી છે. બન્ને આરોપીઓને જામીન પર મુક્ત કરી ગુનો તરજોડ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં રાજુલા આર.એફ.ઓ. ડી. કે. મકવાણા, ફોરેસ્ટર હરેશભાઇ બારૈયા, વિજય બારૈયા, ટ્રેકર ભુપતભાઈ, ટ્રેકર નિર્મલભાઇ તેમજ સાથી મિત્ર દીપકભાઇ જોડાયા હતા. વન વિભાગની આ કડક કાર્યવાહીથી વન્યજીવોનો શિકારની પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


