દીવના વાંસોજ નજીક સરકારી જમીન પરના દબાણો હટાવવાનો કરાયો પ્રારંભ
રહેવાસીઓએ સમય માંગી જાતે જ જગ્યા ખાલી કરવા ખાતરી આપી
અગ્ર ગુજરાત, દીવ
દીવ નજીક વાંસોજ ગામમાં દીવ પ્રશાસનની કરોડોની જમીનનો કબજો લેવા દીવ પ્રશાસનના ડે.કલેક્ટર અને મામલતદાર, પોલીસ કાફલા સાથે પહોંચી અને ડીમોલીશનનો પ્રારંભ કર્યો હતો.
૫૬ વર્ષ પહેલા ૧૯૭૦ની વાત છે. દીવ પ્રશાસનના જણાવ્યા અનુસાર દીવ ગવર્મેન્ટે પાણીના સ્ટોરેજ કરવા માટે વાંસોજ ગામમાં ૮૬૦૦ સ્કવેર મીટર જમીન લીધી. આ જમીન દીવ નજીક ગુજરાત રાજ્યના ઉના તાલુકાના વાંસોજ ગામમાં આવેલ છે. આ જમીનની કિંમત કરોડોમાં થાય છે. આ જમીન પડતર પડેલ હોય અને ગવર્નમેન્ટને કંઈ કામમાં ન હોય એટલે આ જમીન વર્ષોથી પડતર રહી. જેથી અમુક લોકોએ આ જમીનમાં જરૂરિયાત મુજબ મકાનો બનાવ્યા અને અમુક કોન્ટ્રાક્ટરો બાંધકામનો સામાન રાખતા.
આ જમીન દીવની માલિકીની હોય અને દીવ ગવર્મેન્ટનો તેના ઉપર હક્ક હોય જેથી પ્રશાસક પ્રફુલ પટેલના નિર્દેશ અનુસાર અને દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શનમાં આ જમીન લેવા ગીર-સોમનાથ જીલ્લાના કલેક્ટર સાથે વાત કરી અને લેખીત રજૂઆત કરી. ગીર-સોમનાથ અને દીવ વચ્ચે સહમતિ થયા બાદ દીવ પ્રશાસને ચાર દિવસ પહેલા મકાનોમાં રહેતા લોકોને ૯૬ કલાકનો સમય આપી નોટીસ ફટકારી અને ખાલી કરવા જણાવ્યું. ૯૬ કલાક પૂર્ણ થતાં કલેક્ટરના આદેશ અનુસાર ડે.કલેક્ટર શિવમ મિશ્રા મામલતદાર ધર્મેશ દમણીયા, અવ્વલ કારકૂન રામજીભાઈ બામણીયા, પોલીસ કાફલા સાથે વાંસોજ ગામમાં પહોંચ્યા અને ત્યાંના લોકોને મકાન ખાલી કરવા જણાવ્યું અને બંધ મકાનનું ડીમોલીશનના કામનો પ્રારંભ કર્યો. મકાનમાં રહેતા લોકોએ સમય માગ્યો અને જણાવ્યું કે અમે સ્વૈચ્છાએ તોડી અને કબજો આપી દેશું. આ વાત ઉપર સહમતિ થતા સમગ્ર પ્રકરણનો સુખદ અંત આવ્યો હતો.


