આટકોટ-જસદણમાં દારૂનું જાળું ચલાવતી રાજસ્થાની બીશ્નોઈ ગેંગનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ પહોંચાડનારા સૂત્રધારો ઓમપ્રકાશ ડારા અને ગોપીરામ સહિત પાંચ આરોપી પોલીસ સકંજામાં; રૂરલ એલસીબી-રાજકોટ રેન્જની સંયુક્ત કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય પોલીસને આંતરરાજ્ય દારૂના નેટવર્ક સામે મોટી સફળતા મળી છે. આટકોટ, જસદણ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં રાજસ્થાન અને હરિયાણાથી વિદેશી દારૂની સપ્લાય કરતી રાજસ્થાની બીશ્નોઈ ગેંગનો ભાંડો ફોડી રૂરલ એલસીબી અને રાજકોટ રેન્જની ટીમે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં સૌરાષ્ટ્રમાં લાખો રૂપિયાનો દારૂ પહોંચાડનારા મુખ્ય સૂત્રધારો ઓમપ્રકાશ હુકમારામ ડારા અને ગોપીરામ ગંગારામ ધાયેલનો પણ સમાવેશ થાય છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આંતરરાજ્ય દારૂની હેરફેર અંગે મળતી બાતમીઓના આધારે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. રેન્જ પીઆઈ અપૂર્વ પટેલ તથા એલસીબી પીઆઈ જે.પી. રાવની દેખરેખ હેઠળ અલગ-અલગ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આટકોટ પોલીસ મથકે નોંધાયેલા રૂ.61.49 લાખની કિંમતની 9,384 વિદેશી દારૂની બોટલના જથ્થાના કેસમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના જાખરડા ગામનો ઓમપ્રકાશ હુકમારામ ડારા મુખ્ય સપ્લાયર તરીકે વોન્ટેડ હતો. તેની સામે જસદણ કોર્ટમાંથી કલમ-72 હેઠળ વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું. બીજી તરફ જસદણ પોલીસ મથકે નોંધાયેલા રૂ.6.10 લાખના દેશી-વિદેશી દારૂના કેસમાં બાડમેર જિલ્લાના કબુલી ગામનો ગોપીરામ ગંગારામ ધાયેલ પણ લાંબા સમયથી ફરાર હતો.
દરમિયાન એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે આટકોટ-સાણથલી રોડ પર જુના પીપળીયા ગામ નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી ત્રણ રાજસ્થાની શખ્સોને 321 વિદેશી દારૂની બોટલો, ક્રેટા કાર સહિત કુલ રૂ.14.86 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
આગળની તપાસમાં પોલીસે અગાઉના ગુનામાં વોન્ટેડ ઓમપ્રકાશ હુકમારામ ડારાને હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના જાખલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો, જ્યારે ગોપીરામ ગંગારામ ધાયેલને જસદણ વિસ્તારમાંથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા ઓમપ્રકાશ બાબુલાલ ગોદારા (રહે. લિયાદરા, ભીલોદ, રાજસ્થાન), ભીખારામ પાંચારામ ગોદારા અને ગણપતલાલ પાંચારામ ગોદારા (બંને રહે. માણકી, બાડમેર, રાજસ્થાન)ને પણ અગાઉ દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હોવાનું જણાવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ રાજસ્થાન અને હરિયાણાથી દારૂ મંગાવી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતી હતી. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સો અને દારૂના મોટા રેકેટ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


