ધોરાજી શહેરમાં એક વરસાદ બાદ નવા બનેલા રસ્તા તૂટવા લાગ્યા
રોડ રસ્તા રીપેર કરવા લોકોની માગણી : વાહન ચાલકોને ભારે હાલાકી : ભ્રષ્ટાચારની બૂ
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી શહેર માં રોડ રસ્તા અને પાણીના પ્રશ્નો ક્યારેય પૂરા થતા નથી. અને તંત્ર દ્વારા આ પ્રશ્ન ક્યારેક કાયમી નિરાકરણ કરવામાં આવતું ન હોવાથી ધોરાજીની જનતામાં તંત્ર પરત્વે રોષની લાગણી જોવા મળી રહી છે.
ધોરાજી શહેરમાં ચોમાસાનો વરસાદનો પ્રથમ રાઉન્ડ આવ્યા બાદ ધોરાજી શહેરના વિવિધ રોડ રસ્તાઓની હાલત કફોડી બની છે. જેમાં શહેરના મુખ્ય માર્ગો પર ખાડા પડી જવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ધોરાજીના યુવા અને સામાજિક અગ્રણી અવિનાશ વઘાસિયા અને પ્રશાંત ચાવડાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ચોમાસાના વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ ધોરાજી શહેરમાં અનેક જગ્યાઓએ રોડ રસ્તા તૂટીફૂટી ગયા છે છેલ્લા આઠ દસ દિવસથી વરસાદ નથી તેમ છતાં તંત્ર દ્વારા આ ખાડા પૂરવામાં આવતા નથી.
ધોરાજીના નાગરિક બેંક થી લઈને જેતપુર રોડ તરફ અને નાગરિક બેંક થી લઈ ત્રણ દરવાજા મુખ્ય બજાર સોની બજાર અને શાક માર્કેટ તરફ જતો મુખ્ય માર્ગ પણ ખાડાઓથી ભરાઈ ગયો છે. ત્યારે શાળાએ જતા નાના વિદ્યાર્થીઓ મહિલાઓ વૃદ્ધો અને વાહન ચાલકોએ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધોરાજી શહેરમાં રોડ રસ્તા અને પાણીના પ્રશ્ને અભિશાપ હોય તે પ્રકારે આ સમસ્યાઓ નું કાયમી નિરાકરણ આવતું નથી. થોડા સમય પૂર્વે ધોરાજી શહેરમાં જેતપુર રોડ સિમેન્ટથી મળવામાં આવ્યો હતો પરંતુ એ રસ્તાની હાલત પણ ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. હોસ્પિટલ થી પોસ્ટ ઓફિસ ચોક સુધી બનેલો સિમેન્ટ રોડ લોકાર્પણ થાય તે પહેલા તૂટી જતા એ રોડ ખોદીને ફરી નવો બનાવો પડ્યો. બીજી તરફ સરદાર ચોક તરફનો સિમેન્ટ નો રોડ પણ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો છે. ઉપલેટા રોડ પર સિમેન્ટ રોડ નું કામ ચાલ્યું હતું જેમાં પણ તિરાડો પડી જતા સ્થાનિક લોકોએ ઉહાપોહ કર્યો હતો. બીજી તરફ જુનાગઢ રોડ રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ નું કામ ચાલતું હોવાથી ત્યાંથી પસાર થતાં નાના વાહનો માટે પણ સારા વૈકલ્પિક રોડ ની વ્યવસ્થા કરવામાં આવી નથી. આમ ધોરાજી શહેરની ચારે તરફના વિવિધ રસ્તાઓ સમસ્યાઓથી ઘેરાયેલા હોય જેને લઇ ધોરાજીના નગરજનો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે સરકારી તંત્ર જવાબદાર વિભાગ દ્વારા ધોરાજી શહેરના લોકોને રોડ રસ્તાની સમસ્યાથી કાયમી ઉકેલ લાવે તેવી માંગ ઉઠી રહી છે.
બીજી તરફ ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખ પાયલબેન ધોળકિયા એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન વરસાદને કારણે જે રોડ રસ્તાઓ બગડી ગયા છે કે ખરાબ થયા છે અથવા તો ખાડા ફરી ગયા છે એવા રસ્તાઓને વહેલાસર રીપેર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે.


