રાજુલા-જાફરાબાદ પંથકમાં ધીમીધારે વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી
પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદ
અગ્ર ગુજરાત, રાજુલા
હવામાન વિભાગની આગાહીના પગલે રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો. રાજુલા-જાફરાબાદ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. રાજુલા પંથકના ડુંગર, માંડળ, મોરંગી, કુંભારીયા, દેવકા, વિક્ટર, છતડીયા અને હિંડોરણા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. લાંબા સમયના વિરામ બાદ વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે ખેડૂત આગેવાન રમેશભાઇ વસોયાએ જણાવ્યું હતું કે, વરસાદ વરસતા કપાસ અને મગફળી સહિતના પાકોને ફાયદો થશે. ત્યારે આ વરસાદી પાકને મોટું જીવનદાન મળશે અને ઉત્પાદન પણ સારું ઉતરશે તેમ જણાવાયું હતું.


